Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલી વધી : દહેજ માંગણી કેસમાં હાઈકોર્ટે દશરથ પટેલના જામીન ફગાવ્યા

જો જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના પુત્ર મૌનાંગ પટેલની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી દહેજ માંગણી અને માનસિક ત્રાસ કેસમાં જામીન મેળવવા માટે દશરથ પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે

ગુજરાત હાઈકોર્ટે દહેજ માંગણી કેસમાં આરોપી દશરથ પટેલની જામીન ફગાવતા નોંધ્યું હતું કે અરજદાર દશરથ પટેલ સામે આ કેસ સિવાય અન્ય બે FIR દાખલ કરવામાં આવી છે, જેથી જો જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જેથી કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટે અરજદારને ત્રણ મહિના બાદ ફરીવાર અરજી કરવાની છૂટ આપી છે.

અરજદારના એડવોકેટના તરફે રજુઆત કરવામાં આવી હતી કે આ કેસમાં 4 આરોપીઓને જામીન મળી ચુક્યા છે, ત્યારે અરજદાર-આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે. 28મી ઓગસ્ટ 2020ના રોજ ફરિયાદીની માતાને ડિમાન્ડ ડ્રાફ્ટ મળ્યો હતો. જંકિત પ્રજાપતિ કે જેના પર ફરિયાદી અને તેની માતાને બળજબરીપૂર્વક ઓફીસ લઈ જવાનો આક્ષેપ છે, તેને આરોપી બનાવવામાં આવ્યો નથી પરંતુ જંકિત પ્રજાપતિ આ કેસમાં સાક્ષી છે

અરજદારના એડવોકેટ વધુમાં રજુઆત કરી હતી કે તપાસ અધિકારીને ફરિયાદીની માસી પાસેથી 2.54 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. તેમણે સાક્ષી તરીકે નિવેદનમાં જણાવ્યું હતું કે ફરિયાદીની માતાએ તેમને વિવાદનો અંત ન આવે ત્યાં સુધી રાખવાનું કહ્યું હતું. અરજદાર – આરોપીએ ફરિયાદી અને તેમની માતાને ધમકીઓ આપી કેટલાક દસ્તાવેજ સહી કરાવી લીધા આ વાત માનવી જોઈએ નહીં, તેવી દલીલ કરી હતી

સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી0 હતી કે અરજદાર – આરોપી પર ફરિયાદી અને તેની માતાને ધમકી આપવાના ગંભીર આક્ષેપ છે. ફરિયાદીએ 28મી ઓગસ્ટના રોજ અરજદાર – આરોપી પર દસ્તાવેજની સહી કરાવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદી પત્ની ફિઝુ પટેલના નિવેદનના આધારે આરોપી સામે IPCની કલમ 307 ઉમેરવામાં આવી છે

આ કેસના અન્ય આરોપી પતિ મૌનાંગ પટેલ અને ફરિયાદીની પુત્રીના જન્મ દિવસ નિમિત્તે સાસરિયાઓએ ફરિયાદીને તેના પિતાના ઘરેથી કઈ લાવી ન હોવાના ટોણા માર્યા હતા અને બાદમાં તેને ગાળ આપી હતી.

ફરિયાદી પત્નીએ જયારે તેના પતિને ગાળો બોલતા અટકાવવનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેના પતિએ તેને ચહેરા પર 6થી 7 લાફા ઝીંકી દીધા હતા અને નાક પર ફેટ મારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ કેસમાં આરોપીઓએ ફરિયાદી અને તેની માતાને ઘરથી કાઢી મૂકી અને જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

(7:20 pm IST)