Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ પર સૌથી ઓછો ટેક્સ છે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

દસ દિવસથી દેશમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો : રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ભાવ વધારાનો બચાવ કર્યો, ચૂટંણી રેલીમાં કોરોનાની ગાઈડલાઈન્સના પાલનનો દાવો

ગાંધીનગર, તા. ૧૮ : સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. લોકોને મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે દેશમાં સતત ૧૦માં દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે. એવામાં પેટ્રોલની વધી રહેલી કિંમતો પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ઉપરાંત તેમણે ચૂંટણીની રેલીઓમાં કોરોનાની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે જણાવ્યું હતું કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે.

ગુજરાતમાં ભાવ પણ ઓછો છે. સાથે તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની જે પહેલા ૫૦ ડોલર પ્રતિ બેરલ હતી તે વધીને હવે ૬૦થી પણ વધુ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. સ્વભાવે તેના કારણે ઈંધણની કિંમત પણ વધી છે. ઉપરાંત તેમણે કહ્યું કે, બજેટમાં કૃષિ સેસ નાખવામાં આવ્યો છે, જોકે તેની અસર લોકો પર આવવા દેતા સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે અને કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની આવક ઘટી છે. પત્રકારો સમક્ષ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ પીએમ મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતમાં કુદરતી ઓઇલ મળવાનું પ્રમાણ ઓછું છે. ગઈકાલે માન્ય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે ૮૫ ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ આપણે વિદેશતી આયાત કરવું પડે છે.

આવા સંજોગોમાં જે પહેલા બેરલની કિંમત ૫૧-૫૨ ડોલર હતી, જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો અને બેરલની કિંમત ૬૦ ડોલરથી પણ વધુ થઈ છે. એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે. સાથે નીતિન પટેલે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી ઘટે જેથી દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે ક્રૂડ ઓઈલ પર વધારે નિર્ભર રહીને આગામી સમયમાં સૌર ઉર્જાનો ઉપયોગ વધે તેના પર ભાર મૂક્યો હતો.

(7:43 pm IST)