Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ડીસાના રામસણ શાળાના બે શિક્ષકો તથા 9 વિદ્યાર્થીઓ મળીને 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

સરકારી તંત્રમાં દોડધામ :એક સપ્તાહ માટે શાળા બંધ રાખવાનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી શ્રી વિવેક ઉચ્ચત્તર બુનિયાદી વિદ્યાલયમાં બે શિક્ષકો તથા 9 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરિણામ સ્વરુપ આ શાળાને કોરોનાનું સંક્રમણ વધુ ના થાય તે માટે હાલમાં એક સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાએ ફરી દેખાં દેતાં સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

ગઇ તા.16મી ફ્રેબુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી શ્રી વિવેક ઉ.બુ. વિદ્યાલયના બે શિક્ષક તથા બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જેથી 17મી ફ્રેબુઆરીના રોજ પોઝિટિવ કેસોની મુલાકાત લઇને સારવાર આપવામાં આવી હતી. જેમાં જરૂર જણાતાં કોરોના રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 49 ટેસ્ટમાંથી 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. બાકીનાએ સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં 15 જણાંના ટેસ્ટ કરવામાં આવતાં 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. આમ સરવાળે હાઇસ્કૂલમાં બે શિક્ષક તથા 9 વિદ્યાર્થીઓ મળીને કુલ 11 પોઝિટિવ કેસો આવ્યા હતા. જેમાં શિક્ષક તેજસ કે. પ્રજાપતિ તથા ચેલાજી પી. ઠાકોર તથા વિદ્યાર્થીઓ અરવિદ જે. પરમાર, રાજેશ સોંલકી, સુમિત સુથાર, હરેશ સુથાર, વસંત પરમાર નુતલ વાઘેલા, મહેન્દ્ર ઠાકોર, દિનેશ રામસણા તથા જી.બી. ગોસ્વામીનો સમાવેશ થાય છે.

હાઇસ્ક્લૂમાં વધુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર હાલમાં પ્રાથમિક ધોરણે એક સપ્તાહ માટે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજીબાજુ હાઇસ્કૂલમાં દરેક રૂમ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસોની મુલાકત લઇને આર્શીનક આલ્બમ 30 ગોળી, ગરમ પાણી, ઉકાળો, લીંબુ શરબત પીવા માટે સલાહ આપવામાં આવી હતી. આ અંગે સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર દ્રારા ડીસા તાલુકાના હેલ્થ ઓફીસરને સમગ્ર બાબતનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને ગ્રામજનોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

(7:54 pm IST)