Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગાઈડલાઈન્સના ચુસ્ત પાલન સાથે ૬થી ૮ના વર્ગો શરૂ થયા

૯થી ૧૨ની શાળાઓ અગાઉ શરૂ થઈ ગઈ હતી : શાળાઓમાં છાત્રોએ સાડા દસ માસ બાદ પગ મૂકતાં આનંદની લાગણી, વાલીની મંજૂરી ન મળતાં પાંખી હાજરી

ગાંધીનગર, તા. ૧૮ : રાજ્યમાં ધોરણ ૯થી૧૨ની સ્કૂલો શરૂ થયા બાદ હવે ગુરુવારથી પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬થી૮ના વર્ગો શરૂ કરાયા છે. પ્રાથમિક શાળાઓ ખોલવાના નિર્ણય બાદ સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓને આવકારવા પોતાના તરફથી તમામ તૈયારીઓ કરી લીધી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેમ્પરેચર ચેક કર્યા બાદ અંદર પ્રવેશ અપાશે. ઉપરાંત ગાઈડલાઈનનું પણ ચુસ્ત પાલન કરાશે. વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે મુજબની બેઠક વ્યવસ્થા પણ સ્કૂલમાં ગોઠવાઈ છે. જો કે, પ્રાથમિક વિભાગમાં વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવાની સંમિત ખૂબ ઓછા પ્રમાણમાં આપી હોવાથી સંખ્યા ઓછી રહી શકે છે.

મહત્વનું છે કે, માર્ચ ૨૦૨૦થી કોરોનાના પગલે શાળાઓ બંધ કરવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. પ્રારંભિત કબક્કામાં થોડા સમય માટે શાળા બંધ કરાઈ હતી પરંતુ ત્યારબાદ મુદત લંબાતી રહી હતી. દિવાળી બાદ ૨૩ નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની સરકારે અગાઉ જાહેરાત કરી હતી. પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવતા સ્કૂલો શરૂ થઈ શકી નહોતી. આમ, શાળાઓનું પ્રથમ સત્ર સ્કૂલ ખુલ્યા વિના પૂરું થઈ ગયું હતું.

ત્યારબાદ સરકાર દ્વારા ૧૧ જાન્યુઆરી ૨૦૨૧થી માત્ર ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી અને સ્કૂલો શરૂ થઈ પણ હતી. ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો રાબેતા મુજબ થયાના ૨૦ દિવસ પછી સરકારે ફેબ્રુઆરીથી ધોરણ અને ૧૧ના વર્ગો શરકૂ કર્યા હતા. આમ રાજ્યમાં હાલ ધોરણ ૯થી૧૨ના વર્ગો રાબેતા મુજબ ચાલી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રાબેતા મુજબ થયા બાદ હવે સરકારે ૧૮ ફેબ્રુઆરીથી ધોરણ ૬થી૮ના વર્ગો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ આજથી (૧૮ ફેબ્રુઆરી) ધોરણ ૬થી૮ના વર્ગો રાબેતા મુજબ શરૂ થયા છે. સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, પ્રાથમિક વિભાગના બાળકોને સ્કૂલો મોકલવા માટે વાલીઓએ ખૂબ ઓછા પ્રમાણમાં સંમતિ આપી છે. મોટાભાગના વાલીઓ હજી બાળકોને સ્કૂલો મોકલવા માહતા નથી. જેના પગલે સ્કૂલો શરૂ થયા બાદ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, શાળા બાળકોની જવાબદારી લેવા તૈયાર નથી અને પોતાની જવાબદારી પર બાળકોને સ્કૂલે મોકલવાના હોવાથી વાલીઓ ચિંતિત છે અને એટલે ઘણા વાલીઓએ હજી સુધી સંમતિ આપી નથી. રાજ્યની પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. તેનું શાળાઓએ પાલન કરવાનું રહેશે. જેમાં સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરીને પછી પ્રવેશ અપાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનો નાસ્તો, માસ્ક, પેન્સિલ સહિતની સામગ્રી એકબીજા સાથે આપ-લે ના કરે તેની સમજ વાલીઓએ બાળકને આપવાની રહેશે. આમ, અગાઉ શાળાઓ ખોલવા માટે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે જોવાની જવાબદારી સ્કૂલોની રહેશે. અત્યાર સુધી સ્કૂલોમાં ૯થી૧૨ના વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે જરૂરી છે. જે શાળાઓમાં વર્ગખંડ નાનો હોય ત્યાં લાઈબ્રેરી કે લેબોરેટરિ જેવા મોટા હોલનો વર્ગખંડ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. શાળા શરૂ થઈ તે પહેલા તમામ ક્લાસરૂમને સેનિટાઈઝ પણ કરાયા છે.

(9:43 pm IST)