Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ગુજરાત બોર્ડ પણ ધોરણ ૧૦ની પરીક્ષાઓ રદ્દ કરે

વાલી મંડળ દ્વારા માગણી કરાઈ : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે, જેના પગલે બોર્ડની પરીક્ષા મુલતવી રખાઈ છે

અમદાવાદ,તા.૧૮ : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે વાલી મંડળ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના તર્જ પર ગુજરાતમાં પણ ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે. ગુજરાતમાં ધોરણ ૧૦ના ૧૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી સરકાર માટે કોરોના કાળમાં પરીક્ષા યોજવી મુશ્કેલ બની રહેશે. જેથી ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરવામાં આવે તેવી માગ વાલી મંડળે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી છે. તાજેતરમાં જ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ કોરોનાની વણસી રહેલી સ્થિતિને જોતાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવી તારીખો જાહેર કરાશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થઈ છે. એવામાં વાલી મંડળ દ્વારા માગ કરવામાં આવી છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા સીબીએસઈના તર્જ પર રદ્દ કરી દેવામાં આવે. ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિના પ્રમુખ ભાવિન વ્યાસે પરીક્ષા રદ્દ કરવાના કારણો પણ આપ્યા છે.

           જે મુજબ, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે, કેવી રીતે તૈયારી કરવી તે સમજાતું નથી કારણકે પરીક્ષાની તારીખ જ નક્કી નથી. હાલમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં વાલીઓ પોતાના બાળકોને પરીક્ષામાં બેસાડવા તૈયાર નથી. ધોરણ ૧૦માં ૧૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે તેમની બેઠક વ્યવસ્થા હાલના તબક્કે કરવી અઘરી લાગી રહી છે. કોરોનાના કારણે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા છે, એવામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે અને સંક્રમણ લાગે તો સ્થિતિ કફોડી બની શકે છે. આમ, આટલા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા એકસાથે લેવામાં આવે તો સરકારની એસઓપીનું પાલન થઈ શકે તેમ નથી લાગતું. ત્યારે આ બાબતો ધ્યાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી માગણી વાલી મંડળે કરી છે. હાલમાં રાજ્યમાં રોજેરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે મે મહિના સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. ત્યારે અત્યારથી જ ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ કરી દેવાય તેવી માગણી કરાઈ છે.

(8:04 pm IST)