Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિજયભાઇ રૂપાણીએ સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજી

દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્‍થિતિની વિગતો મેળવી : ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્‍થિતિની પળેપળની માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્‍યું

ગાંધીનગર તા. ૧૮ : મુખ્‍યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર પહોંચીને ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજી રાજયમાં ખાસ કરીને દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્‍થિતિની વિગતો મેળવી હતી.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદ ની પરિસ્‍થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્‍યરાત્રિ સુધી ૪ કલાક કન્‍ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્‍થિત રહી સાયકલોન મેનેજમેન્‍ટની આગવી સંવેદના દર્શાવી હતી.

તેઓએ આજે સવારે પણ કન્‍ટ્રોલ રૂમ પહોંચીને ગઈરાત્રિની વાવાઝોડાને વરસાદની સ્‍થિતિ, નુકસાની અને રોડ રસ્‍તા બંદરો વગેરે ને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજયના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્‍તૃત સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્‍યસચિવ અનિલ મૂકીમ મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્રસચિવ કે કૈલાસનાથન અધિક મુખ્‍ય સચિવ પંકજ કુમાર અને એમ.કે.દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

(12:21 pm IST)