Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મહુવામાં પાણી ભરાયા : અમરેલી -ગીર જીલ્લામાં સૌથી વધુ વરસાદ :દિવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ : ગીર અને ઉનાના અનેક ગામો સંપર્ક વિહોત્રા

અમદાવાદ,તા. ૧૮: વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના દ્યણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં ૮ ઈંચ, ગીર ગઢડામાં ૭.૫ ઇંચ, ઉમરગામમાં ૭.૫ ઇંચ , ઉનામાં ૭ ઇંચ, સાવરકુંડલામાં ૬.૫ ઇંચ વરસાદ, પાલીતાણામાં ૬ ઇંચ, અમરેલીમાં ૫ ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં ૫-૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

તૌકતે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગમાં સામે આવ્યું છે કે મહુવામાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં ૫ ઈંચ વરસાદ પડ્યો છે જયારે પાલીતાણામાં પણ ૬ ઇંચ વરસાદ ખાબકયો છે.

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પણ ૨ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે જેના કારણે અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા છે. જયારે રાજકોટમાં પણ ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી છે.

ગીરસોમનાથમાં તૌકતે સર્જી તારાજી

વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી

દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.

ગઇકાલે રાતથી જ ગુજરાત રાજયમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજયને દ્યમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટકયું છે.

રાજુલામાં ૧૭૫ કિમીની ઝડપે પવન

નોંધનીય છે કે ગઇ કાલે રાજયમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં ૧૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં ૧૩૦ કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

(12:03 pm IST)