Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જ્યાં ભૂમિ અને ભવનોમાંથી ભારતીય શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ ખીલી રહી છે તે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્

SGVP પરિસરમાં ફરતા ભગવાનના અવતારો, હનુમાનજી, ગણપતિ, સરસ્વતી, લક્ષ્મીજી આદિ સનાતન ધર્મના દેવો, દેવીઓના દર્શન થાય છે.

અમદાવાદ તા. ૧૮ ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવા માટે ગુરુકુલના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જે અર્વાચીન રૂપમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાની પ્રતિષ્ઠા કરી, તેને ૨૧ મી સદીમાં તેમના અંતેવાસી પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી વૈશ્વિક રીતે સાકારિત કરી રહ્યા છે. અને સાથે સાથે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો પણ આધ્યાત્મિક પોષણ  પુરુ પાડી રહ્યા છે.

     SGVP સંસ્થાનમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરતા જ ભારતીય સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ નિર્માણ પામેલ વિશાળ પરિસરમાં ગુલાબી રંગના ભવનો અને લીલીછમ વનરાજીથી ભરપુર વૃક્ષાચ્છાદિત બાગ બગીચાઓ તેમજ રમતગમતના વિશાળ મેદાનોના દિવ્ય અને ભવ્ય દર્શન થાય છે.

સમગ્ર પરિસરની રચના જાણેકે ભગવાનનો રથ હોય એરીતે કરવામાં આવેલી છે. સ્વયં ભગવાન માણકી ઘોડી ઉપર બેસીને આ દિવ્ય રથને ચલાવી રહ્યા છે.

  બંન્ને બાજુ સદવિદ્યા ભવન (international school), ધર્મજીવન  હોસ્ટેલ નામના બે ભવનો આવેલા છે.

સ્થાપત્યના નિયમ પ્રમાણે ભૂમિનો મધ્યભાગ બ્રહ્માજીનું સ્થાન ગણાય છે. આ સ્થાનમાં વિવિધ રમત ગમતના વિશાળ મેદાનોની રચના દરેક મુલાકાતીઓેને આકર્ષી રહે છે. ખેલકૂદ અને રમતગમતના વિવિધ મેદાનો  કેળવણી સાથે શારીરિક-માનસિક તંદુરસ્તીના કેન્દ્રો સમાન છે.

માણેકવર્ણી માણકીના અસવાર ભગવાન સ્વામિનારાયણની ચારેબાજુ વિવિધ પુષ્પોના ઉદ્યાનોમાં ભગવાનના વિવિધ સ્વરુપો જેવા કે ભગવાન રાધાકૃષ્ણ, ભગવાન સીતારામ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ઉમા મહેશ્વરના રમણીય દર્શન કરનારને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે.

વિશ્વંભરમ્ એટલે પ્રસાદ અને આતિથ્યનો આસ્વાદ કરાવતું ભોજનલય અને અતિથિગૃહનું મનોરમ્ય ભવન, જેમાં એક સાથે ૧૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.

સમગ્ર ગુરુકુલ પરિસરમાં વિવિધ વૃ્ક્ષો લીમડા, વડલા, પીપળા, આમળા, ચંદન વગેરે સહિત અનેક ઔષધીય ગુણોથી ભરપુર વનવેલીઓ, તેમજ ગુલાબ, મોગરા, ગલગોટા, ચંપાના પુષ્પો અને ચીકુ, આમ્રવૃ્ક્ષોથી લચી રહેલા ઉદ્યાનો  સમગ્ર કેમ્પસને સુગંધીત કરે છે.

અહીં વેદશાળા, યજ્ઞશાળા, સંતઆશ્રમ, સંસ્કૃત પાઠશાળાની ચારે તરફ દરરોજ નૃત્ય કરતા મયુરોના દર્શન થાય છે. અહીં કામધેનું ગૌશાળામા અસલ ગીર ઓલાદની ૨૦૦ ઉપરાંત ગાયોના દર્શન થાય છે.

SGVP નું આધ્યાત્મિક કેન્દ્ર એટલે હ્રદય કુટિર, જ્યાં અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીનું સમાધિ સ્થાન છે. અહીં ભકતો દર્શન વંદન પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.

    સંત આશ્રમ સહજાનંદમાં સંતોના નિવાસ સાથે બાલસ્વરુપ શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન મનોહારી છે. જ્યાં દરરોજ સત્સંગ કથા વાર્તા સાથે સવાર-સાંજની પ્રાર્થનાઓ અને સાધનામય જીવન સાથે સંતો અને ઋષિકુમારો સંસ્કૃત શાસ્ત્રોના અભ્યાસમાં વ્યસ્ત રહે છે.                                               –૨—

 

--૨--

    સંત આશ્રમ સહજાનંદ ભવનની આગળ લીલીછમ વનરાજી વચ્ચે આવેલ ધ્યાન ઉદ્યાનમાં શ્રી નિલકંઠ વર્ણીરાજ, દેવાધિદેવશ્રી મહાદેવજી, ભગવાન બુદ્ધ અને હનુમાનજી મહારાજ ધ્યાન મુદ્રામાં સૌને દર્શન આપે છે.

    આ સંત આશ્રમની ચારે બાજુ આવેલ સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર નામના નાના નાના ચાર ઉદ્યાનોમાં સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલજી, યોગ શાસ્ત્રના પ્રણેતા પતંજલિ મુનિ, વેદાન્ત શાસ્ત્રના પ્રણેતા ભગવાન વેદ વ્યાસજી અને પંચરાત્ર શાસ્ત્રના ઉદગાતા નારદજીના દર્શન સૌને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રેરણા આપે છે.

    સહજાનંદ ભવનની પાછળ આવે ત્રિકૂટ પર્વતપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીના દર્શન થાય છે. એજ રીતે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિરાજમાન વિદ્યાદેવી માતા સરસ્વતી ના દિવ્ય દર્શન કરીને ૩૦ સંતો સહિત ૨૦૦ ઋષિકુમારો પ્રેરણા પ્રાપ્ત કરે છે.

   પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે નિર્માણ પામેલ યજ્ઞશાળામાં ભગવાન શ્રીહરિના બાલસ્વરુપ સાથે લક્ષ્મી-હયગ્રીવ ભગવાન અને લક્ષ્મી નૃસિંહ ભગવાનના દર્શન પણ સૌને પ્રાચીન પરંપરાની સ્મૃતિ કરાવે છે.

 યજ્ઞશાળાના પરિસરમાં, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞની પરંપરાના પ્રતિકરૂપ વિદ્યાભ્યાસ, રંતિદેવ, શ્રવણકુમાર, ગોપાલક બાલકૃષ્ણના પ્રેરક પ્રતીકો મૂર્તિ સ્વરુપે બિરાજમાન છે.

    ધર્મજીવન હોસ્ટેલના મુખ્ય મંદિરમાં ઘનશ્યામ મહારાજ સાથે રાધાકૃષ્ણ દેવ, ભગવાન શ્રી સીતારામજી, ગણપતિજી, હનુમાનજી મહારાજના સ્વરુપોના નિત્ય દર્શન અને પૂજાપાઠ કરીને વિદ્યાર્થીઓ અને હરિભકતો દરરોજ આધ્યાત્મિક રીતે પોષણ મેળવે છે. SGVP સંસ્કારની અને અધ્યાત્મની ભૂમિ છે. અહીં નિયમિત થતાં વિવિધ યજ્ઞ-અનુષ્ઠાનો વાતાવરણ તેમજ સમગ્ર પર્યાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

   અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ICSE બોર્ડને અનુસરતી શાળાઓમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે જેમાં ભારત સહિત ૨૦ દેશોના ૧૬૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. SGVP માં પોતાની AC હોસ્ટલ છે. જેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ રહે છે.

   આ એસજીવીપીમાં સાત માળની હોસ્પિટલ છે તેમાં યોગ, આયુર્વેદ અને એલોપેથીનો જે યોગ થયો છે તે અદ્ભૂત અને અદ્વિતીય છે. સામાન્ય રીતે એલોપથીના ડોક્ટરો અને આયુર્વેદના વૈદ્યો પરસ્પરની ચિકિત્સાનો નિષેધ કરતા હોય છે, જ્યારે આ હોલિસ્ટીક હોસ્પિટલમાં તો બેયનો સમન્વય થયો છે. ઘણા રોગો એલોપેથી દવાથી મટતા હોય છે જ્યારે ઘણા રોગો આયુર્વેદથી મટી જાય છે. આ હોસ્પિટલમાં શિરોધારોનો પ્રયોગ કરવામાં આવે છે. શિરોધારા ચિકિત્સા એ આયુર્વેદ વિજ્ઞાનની અણમોલ ભેટ છે. જે સમગ્ર વિશ્વને તણાવ મુકત કરવાની ક્ષમતા ધરાવે છે.

(2:19 pm IST)