Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આજ રાત કે આવતીકાલ સવાર સુધી વરસાદ ચાલુ જ રહેશે

વાવાઝોડુ ક્રમશઃ નબળુ પડી ઉત્તર- ઉત્તર- પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છેઃ આવતીકાલ સવારે ૫:૩૦ સુધીમાં ડીપ્રેશન કે લોપ્રેસરમાં પરીવર્તીત થઈ રાજસ્થાન બોર્ડરમાં એન્ટ્રી કરશે : સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ વાવાઝોડુ ''તૌકતે'' ક્રમશઃ નબળુ પડી રહ્યું છે. પરંતુ તેની અસર આજ સાંજ સુધી કે આવતીકાલ સવાર સુધી જોવા મળશે. સૌરાષ્ટ્રભરમાં હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડુ અમરેલીથી ૪૦ કિ.મી., અમદાવાદથી ૧૮૦ કિ.મી. દૂર છે અને ઉત્તર- ઉત્તર- પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે જો કે ક્રમશઃ નબળું પડતું જાય છે.

સવારે સિવિયર સાયકલોનિકના રૂપમાં હતું જે બપોરે સાયકલોનીકના રૂપમાં પરીવર્તીત થયું છે. ત્યારબાદ સાંજના સમયે ડીપપ્રેશનમાં પરીવર્તીત થવાની શકયતા છે.

હવામાન ખાતુ કહે છે વાવાઝોડુ ભલે નબળુ પડયુ હોય પરંતુ આજ રાત સુધી કે આવતીકાલ સવાર સુધી ઓછાવતા પ્રમાણમાં વરસાદ તો પડશે જ. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.

વાવાઝોડુ આવતીકાલે સવારે ૫:૩૦ વાગ્યા સુધીમાં રાજસ્થાન બોર્ડર ક્રોસ કરશે. ત્યારે તે નબળુ પડી ડીપ્રેશન અથવા લોપ્રેસરની માત્રા એ હશે. જેથી આવતીકાલથી રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શકયતા છે.

(3:20 pm IST)