Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાએ નર્મદામાં વાવેતરનું ધનોત પનોત કરી નાખ્યું : કેરી, શેરડી, શાકભાજી સહિત બાગાયતી પાકોમાં મોટું નુકશાન

લાછરસ, કરાઠા, ઓરી, પાટણા, પોઇચા તેમજ કરજણ નર્મદા કિનારે આવેલા ગામના ખેતરોમાં પાકનો સોથ વળી ગયો: ડેડીયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં કાચા મકાનોને નુકસાન

નર્મદા જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ ધનોત પનોત કરી નાખ્યું છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં કાચા મકાનોને ભારે નુકસાન થયું છે બીજી બાજુ કેરી, કેળા, શેરડી, શાકભાજી સહીત બાગાયતી પાકોમાં પણ વાવાઝોડા સાથે વરસાદને પગલે વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

નર્મદા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની વ્યાપક અસરને પગલે લાછરસ, કરાઠા, ઓરી, પાટણા, પોઇચા તેમજ કરજણ નર્મદા કિનારે આવેલા ગામના ખેતરોમાં કેળા, શેરડી, શાકભાજી સહિત બાગાયતી પાકોમાં વ્યાપક નુકશાન થયું છે.જેનાથી ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બનવા પામી છે.સાથે-સાથે કેટલાય લોકોના ઘરોના છપરા પણ ઉડ્યા છે.નર્મદા જિલ્લામાં ગઈ કાલે રાત્રીથી આજે વહેલી સવાર સુધી વાવાઝોડા સાથે ધાબડેલા વરસાદને કારણે ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાન થયું હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે.કમોસમી વરસાદી જાપટાને પગલે આ વર્ષે કેરી અને શાકભાજીના ભાવ આસમાને જવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના ગામડાઓમાં વ્યાપક નુક્શાનને પગલે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.એમની સાથે બિટીપી જિલ્લા પ્રમુખ ચૈતર વસાવા, તાલુકા વિકાસ અધિકારીઓ, સર્કલ ઓફિસરો અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ માધવભાઈ અને તલાટી કમ મંત્રીઓ હાજર હતા.ઘરોમાં, ખેતી પાકોમા અને બાગાયતી પાકોમા થયેલા નુકશાનીની રાહત ફંડ માંથી યોગ્ય સહાય મળી રહે એ માટે મહેશ વસાવાએ અધિકારીઓને વહેલી તકે સર્વે કરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ પહોંચાડવા સૂચના આપી હતી.

(7:01 pm IST)