Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડા ની અસર , તંત્ર મદદે: 70 કિલોમીટરના વલસાડ જિલ્લામાં દરિયા કિનારાના 84 ગામો એલર્ટ

કલેકટર આર. આર. રાવલ, જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા મેદાનમાં આવ્યા: :એનડીઆરએફની ટીમોએ ઝાડને હટાવી રસ્તા ક્લીન કર્યા: જિલ્લા તંત્ર ખડેપગે : તિથલ દરિયા કિનારે પોલીસનો ચુસ્ત પહેરો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઇ હતી. ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં તોફાની માહોલ છવાયો હતો. અને ભારે પવનની સાથે દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.તિથલ દરિયા કિનારે પોલીસ નો ચુસ્ત પહેરો દેખાયો હતો મહત્વપૂર્ણ છે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ હતું.કલેકટર આર. આર. રાવલ તેમજ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા ખુદ મેદાન માં આવ્યા હતા  વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારાના 84 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
તૌકતે વાવાઝોડા કહેર સામે NDRFની 2 ટીમ પણ વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વલસાડ અને ઉમરગામમાં એનડીઆરએફની ટીમો રાતભર દરિયાકિનારા વિસ્તારમાં તૈનાત હતી. સવારે NDRFની ટીમે વલસાડ જિલ્લાના દરિયાકિનારા વિસ્તારોની મુલાકાત લીધી હતી. NDRFની ટીમે વલસાડના દરિયા કિનારે આવેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કેટલીક જગ્યાએ ઝાડ પડવાના બનાવો ધ્યાને આવ્યા હતા. તેમાં એનડીઆરએફની ટીમોએ ઝાડને હટાવી રસ્તા ક્લિન કર્યા હતા. તેમજ વલસાડ જિલ્લા નું તંત્ર ખડે પગે રહ્યુ હતું લોકો પણ સ્વેચ્છા એ બાર નિક્ડ્યા ન હતા.

(7:27 pm IST)