Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કલોલમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ચાલુ વીજ પુરવઠામાં વીજ થાંભલો તૂટી પડ્યો : જાનહાની નહીં

બે જગ્યાએ બે વીજ થાંભલાઓ અને બે ત્રણ વિસ્તારમાં મોટા વૃક્ષો ધરાશાયી

કાલોલ શહેરના ભરચક વસ્તી ધરાવતા કસ્બા ફળિયા અને બસ સ્ટેશન વિસ્તાર સહિત બે જગ્યાએ વીજ થાંભલાઓ તુટી પડતા સદભાગ્યે કોઇ જાનહાની નહીં

કાલોલ શહેરમાં મંગળવારે વાવાઝોડાની અસર હેઠળ આવેલા વેગીલા પવન સાથે વરસતા વરસાદને કારણે બપોરના સુમારે શહેરના હાઈવે સ્થિત બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક પાનના ગલ્લા પાસેના મોટુ ઝાડ તુટી પડતા નજીકનો વીજ થાંભલો પણ ઉખડી ગયો હતો પરંતુ સદભાગ્યે મંગળવારે ગુમાસ્તાધારા હેઠળ બજાર સંપૂર્ણ બંધ હોવાથી જાનહાની ટળી હતી.

તદ્ઉપરાંત શહેરમાં બપોર પછીના સુમારે કસ્બા વિસ્તારના નાળ ફળિયામાં એક વીજ થાંભલો અધ વચ્ચેથી તુટીને રસ્તા પર જ તુટી પડ્યો હતો.

જોકે સદભાગ્યે ભરચક વસ્તી ધરાવતા ફળિયામાં ચાલુ વીજ પુરવઠો ધરાવતો આ વીજ થાંભલો તુટી પડવા સમયે વરસાદ ચાલુ હોવાથી આસપાસના રહીશો ઘરમાં રહેવાને કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના કે જાનહાનિ નહીં થતાં આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જે ઘટના અંગે સ્થાનિક લોકોએ એમજીવીસીએલ વિભાગને જાણ કરતા એમજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક અસરથી જોડાણ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી હાથ ધરી હતી. આમ કાલોલ શહેરમાં તોફાની વાવાઝોડું અને વરસાદથી બે જગ્યાએ બે વીજ થાંભલાઓ અને બે ત્રણ વિસ્તારમાં મોટા વૃક્ષો ધરાશાયી થઇ જતા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. પરંતુ એ વિસ્તારોમાં પણ કોઈપણ પ્રકારની જાનહાની નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં પણ વેગીલા પવનો સાથે વાવાઝોડાનો વરસાદ તૂટી પડતાં નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

(11:57 pm IST)