Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સંતોની જ્ઞાનગંગાથી ભાવિ પેઢીમાં સંસ્‍કારોનું સિંચન : રાજયપાલ

કાગ જેવી ચેષ્‍ટા, બગલા જેવુ ધ્‍યાન, શ્વાન જેવી નિંદ્રા, સાત્‍વિક ભોજન અને સદાચાર તે પાંચ વિદ્યાર્થીના લક્ષણો : વડોદરાના કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિરમાં સત્‍સંગ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીનું ઉદ્‌બોધન : ગુજરાતને સમર્પિત અને સદ્‌ગુણી રાજ્‍યપાલ મળ્‍યા છે : નરેન્‍દ્રભાઇ મોદીની કલ્‍પના મુજબના સ્‍વચ્‍છ ભારત, સમૃધ્‍ધ ભારતની સાથે સંસ્‍કારી ભારત અને શાંત ભારત નિર્માણમાં સહયોગી બનવા જ્ઞાનજીવનદાસજી સ્‍વામીનો ઉપદેશ

વડોદરાના કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિર ખાતે ગઇકાલે સપ્‍તદિનાત્‍મક સત્‍સંગ જ્ઞાનયજ્ઞમાં રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે સંસ્‍થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી તથા અન્‍ય સંતો અને હરિભકતો ઉપસ્‍થિત છે.

ગાંધીનગર તા. ૧૮ : ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે વડોદરાના કારેલીબાગ શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સપ્તદિનાત્‍મક સત્‍સંગમાં ઉપસ્‍થિત બાળકો-યુવાનોને સંબોધન કરતા જણાવ્‍યું કે, આ સત્‍સંગ જ્ઞાનયજ્ઞમાં સંતો દ્વારા વહેતી જ્ઞાનગંગાની ધારાથી ભાવિ પેઢીમાં જીવન સંસ્‍કારોનું સિંચન થશે.

રાજયપાલશ્રીએ આ શિબિરમાં ઉપસ્‍થિત યુવાનો અને ખાસ કરીને બાળકોને ઉદ્દેશીને જણાવ્‍યું કે, ગુજરાતની ધરતી સંતો અને મહાપુરુષોની ધરતી છે. ત્‍યારે વેકેશનના સમયમાં મહાપુરુષોના જીવનવૃતને વાંચીને તેમના જીવનકવનને જીવનનો આદર્શ બનાવવો જોઇએ. વિદ્યાર્થીના પાંચ લક્ષણ બતાવતા રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, કાગ જેવી ચેષ્ટા, બગલા જેવું ધ્‍યાન, શ્વાન જેવી નિંદ્રા, સાત્‍વિક ભોજન અને સદાચાર ધરાવનાર વિદ્યાર્થી જ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

સ્‍વામિનારાયણના સંતો સંસારનો ત્‍યાગ કરી ધર્મપારાયણ અને સંસ્‍કારી જીવનનો આદર્શ સમાજ સામે પ્રસ્‍તુત કરે છે. જે સમાજ માટે સૌભાગ્‍યની વાત છે. રાજયપાલશ્રીએ માતાપિતાને આચાર્ય એ બાળકના ત્રણ શ્રેષ્ઠ ગુરૂ ગણાવી બાળકોને માતા, પિતા અને શિક્ષક પ્રત્‍યે આદરભાવ દાખવવા શીખ આપી હતી. બાળકના જીવનમાં તરૂણાવસ્‍થાને સૌથી મહત્‍વની ગણાવી માતાપિતાને પોતાના તરૂણો પ્રત્‍યે ખાસ ધ્‍યાન આપવા પણ જણાવ્‍યું હતું.

રાજયપાલશ્રીએ સૌને શાકાહારી બનવા, વ્‍યસન મુક્‍ત અને સદાચારી જીવન જીવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીના દુષ્‍પરિણામોમાંથી મુક્‍તિ મેળવવા માટે પ્રાકૃતિક ખેતીને મજબૂત વિકલ્‍પ ગણાવી જણાવ્‍યું કે, રાસાયણિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્‍લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્‍યા પાછળ ૨૪ ટકાનો ફાળો રાસાયણિક ખેતીનો છે. આટલું જ નહીં, રાસાયણિક ખાતરો પાછળ સરકાર રૂ. ૧ લાખ ૬૦ હજાર કરોડની સબસિડીનો બોજ વહન કરે છે. ત્‍યારે, પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. દેશ ગાયનું જતન અને સંવર્ધન થશે તેમજ ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે. તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા આગ્રહ કર્યો હતો.

રાજયપાલશ્રીને સ્‍વસ્‍થ અને દીર્ઘાયુ જીવનના આશીર્વાદ આપતા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ જણાવ્‍યું કે તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગૌ પાલનના અભિયાની છે. દરેક રાજયમાં રાજયપાલ હોય છે પરંતુ આવા સમર્પિત અને સદગુણી રાજયપાલ ભાગ્‍યે જ કોઈ રાજયને મળે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપેલા સ્‍વચ્‍છ ભારત, સમૃદ્ધ ભારતના સૂત્રમાં સંસ્‍કારી ભારત અને શાંત ભારત એમ બે શબ્‍દો ઉમેરી સૌને એનું પાલન કરવા શીખ આપી હતી.

આ પ્રસંગે ગત ૧૯ મી ડિસેમ્‍બર ૨૦૨૧ ના રોજ સુપ્રસિદ્ધ કુંડળધામ ખાતે યોજાયેલા અનેક રૂપે સ્‍વામિનારાયણ ભગવાનના વિશ્વ વિક્રમ સર્જક કાર્યક્રમ અંતર્ગત ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડસ્‌, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્‍ડિયા બૂક ઓફ રેકોર્ડના મળેલા ત્રણ એવોર્ડનું રાજયપાલ શ્રીઆચાર્ય દેવવ્રતજી તથા પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ હજારો હરિભકતોની હાજરીમાં વિમોચન કર્યું હતું.

આ વેળાએ શ્રી દયાળુ સ્‍વામી અને શ્રી સુખદેવ સ્‍વામીએ પણ આશીર્વચન પાઠવ્‍યા હતા.

રાજયપાલશ્રીએ મંદિરના દર્શન કરી, વચનામૃતની વિરાટ આવૃત્તિના દર્શન કરી સંસ્‍થાની પ્રવૃત્તિની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે વિવિધ ગુરૂકુલ અને મંદિરોના સંતો, સેવકો, હજારોની સંખ્‍યામાં ભક્‍તો અને બાળ શિબિરાર્થીઓ,  વડોદરા મહાનગર પાલિકાના મેયરશ્રી કેયુર રોકડિયા, શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા કલેકટર શ્રી અતુલ ગોર, નાયબ પોલીસ કમિશનર શ્રી યશપાલ જગાણીયા અને મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:43 am IST)