Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓએ જાણી જોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડયાઃ હાર્દિક પટેલ

કોંગ્રેસના પ્રાથમીક સભ્‍યપદેથી રાજીનામું આપ્‍યા બાદ પ્રદેશ નેતાઓ સામે આકરા પ્રહારોઃ સોનીયા ગાંધીને પત્ર લખીને ધડાકો કર્યોઃ દિલ્‍હીથી આવેલા નેતાઓને ચીકન-સેન્‍ડવીસ સમયસર મળે છે કે નહિ તેના ઉપર ધ્‍યાન અપાય છે : રામ મંદિર, જીએસટી, જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ હટાવવી સહિતના કેન્‍દ્ર સરકારના નિર્ણયોને આવકાર્યા : પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આર્થીક ફાયદો ઉઠાવ્‍યો

રાજકોટ, તા., ૧૮: કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. હાર્દિક પટેલે સોનીયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસ પાર્ટીના સભ્‍યપદેથી રાજીનામુ આપ્‍યાનું જણાવ્‍યું છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમજ કેન્‍દ્રની સરકારે લીધેલા નિર્ણયોને બિરદાવ્‍યા છે.

હાર્દિક પટેલે પત્રમાં લખેલ અક્ષરશઃ નીચે મુજબ છે. ઘણા પ્રયત્‍નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદન વિરૂધ્‍ધના કાર્યોના કારણે કેટલીક બાબતો તમારા ધ્‍યાન ઉપર લાવવી અત્‍યંત જરૂરી બની ગઇ છે. આ ર૧મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબુત નેતૃત્‍વ જોઇએ છે. છેલ્લા ૩ વર્ષમાં મે જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતી પુરતી સીમીત રહી ગઇ છે. જયારે દેશની જનતાને એવા વિકલ્‍પની જરૂર છે જે તેમના ભવિષ્‍ય વિષે વિચારે, દેશને આગળ લઇ જવાની ક્ષમતા રાખે, અયોધ્‍યામાં ભગવાનશ્રી રામનું મંદિર હોય, સીએએ-એનઆરસીનો મુદ્દો હોય, જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે જીએસટી લાગુ કરવાની હોય દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્‍છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્‍ટેન્‍ડ કેન્‍દ્ર સરકારનો વિરોધ કરવા પુરતુ જ સીમીત રહયું છે. દેશના લગભગ દરેક રાજયમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે. કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્‍વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજુ કરી શકયું નથી.

હાર્દિક પટેલે પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઇ પણ મુદ્દા પ્રત્‍યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જયારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્‍યારે એવું લાગતુ હતુ કે તેઓનું ધ્‍યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્‍યાઓ સાંભળવા કરતા તેમના પોતાના મોબાઇલ અને અન્‍ય બાબતો ઉપર વધારે રહેતું. જયારે પણ દેશ મુશ્‍કેલી હતો કે કોંગ્રેસને નેતૃત્‍વની સૌથી વધુ જરુર હતી ત્‍યારે અમારા નેતાઓ વિદેશ હતા. ટોચનું નેતૃત્‍વ એવું વર્તન કરી રહયું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરતા કરતા હોય તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્‍પ તરીકે જોવે?

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, દુઃખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઇને રોજના પ૦૦ થી ૬૦૦ કિલોમીટરનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે. લોકોની વચ્‍ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દુર રહે છે અને માત્ર એ બાબત ઉપર ધ્‍યાન આપે છે કે દિલ્‍હીથી આવેલા નેતાને તેમની ચીકન-સેન્‍ડવીચ સમયસર મળી કે નહિ. હું જયારે પણ યુવાનો વચ્‍ચે જતો ત્‍યારે બધાયે એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો? જે દરેક રીતે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી ભલે તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય, મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડયો છે જેના કારણે આજે કોઇ યુવાન કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.

મારે અત્‍યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્‍યકિત જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણી જોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડયા છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થીક ફાયદો ઉઠાવ્‍યો છે.  રાજકીય વિચારધારા ભલે જુદી હોય પરંતુ કોંગ્રેસના વરીષ્‍ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવુ એ રાજયની જનતા સામે મોટો વિશ્વાસઘાત છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, રાજકારણમાં સક્રિય દરેક વ્‍યકિતનો ધર્મ હોય છે કે જનતા માટે કામ કરતા રહે પરંતુ અફસોસની વાત એ છે કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કઇ જ સારૂ કરવા માંગતી નથી તેથી જયારે પણ હું ગુજરાતની જનતા માટે કંઇક કરવા માંગતો હતો ત્‍યારે પાર્ટીએ મારી અવગણના જ કરી છે.  મેં કયારેય વિચાર્યુ ન હતું કે, કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્‍ અમારા રાજય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્‍યે આટલો દ્વેષ પોતાના મનમાં રાખે છે.

આજે ખુબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદા અને પાર્ટીના પ્રાથમીક સભ્‍ય પદેથી રાજીનામું આપુ છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું એમ પણ માનુ છે કે, મારા આ પગલા પછી હું ભવિષ્‍યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્‍મક રીતે કામ કરીશે. જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચુકવવાનો પ્રયત્‍ન કરીશ તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્‍યું છે.

(1:14 pm IST)