Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હાર્દિક પટેલ કાલે દિલ્‍હી જશે : ભાવિ રાજકીય સફર શરૂ થશે? આજે છે ચંદીગઢ

ચંદીગઢથી રાજીનામુ આપ્‍યુ

નવી દિલ્‍હી,તા.૧૮ : પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલા હાર્દિક પટેલે માત્ર ૧૧૬૧ દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જો કે રાજીનામું આપવા સમયે હાર્દિક પટેલની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામુ આપતા પહેલા રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્‍યો હતો. પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતા રાજીનામું ધરી દીધું હતું, એટલું જ નહીં હાર્દિક પટેલ આવતીકાલે દિલ્‍હીમાં છે, જ્‍યાં તેમનું રાજકીય ભવિષ્‍ય નક્કી થઈ શકે છે.
 ગુજરાત કોંગ્રેસથી નારાજ યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે સમાધાન માટે સતત પ્રયત્‍નો કર્યા હતા. જેમાં પણ તેમની નારાજગી મામલે રાહુલ ગાંધીને મળવા માટે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ હાર્દિકને મળવાનો સમય તો ઠીક ગુજરાત આવ્‍યા ત્‍યારે રાહુલે હાર્દિકથી અંતર રાખવાનું શરું કરી દીધું હતું. તેની સાથે સાથે કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ કોંગ્રેસ હાઇકમાન્‍ડે લીધી હતી.
 કોંગ્રેસ સાથેના વધતા જતા સતત અંતરની સાથે વિધાનસભા ચૂંટણી પહેલા નવા પક્ષના સાથેની ગોઠવણ કરવા માટે હાર્દિક પટેલ પંજાબના ચંદીગઢ ખાતે ગયા હતા. જ્‍યાંથી આજે સવારે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ધડાકો કર્યો હતો. આમ પંજાબમાં બેસીને હાર્દિકે અચાનક જ રાજીનામું આપી દેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં હાર્દિક પટેલ આવતીકાલે દિલ્‍હી જવાના છે, જ્‍યાં તેઓ આમ આદમી પાર્ટી કે ભાજપના નેતાઓને મળીને નવો રાજકીય રાહ નક્કી કરે એવી સંભાવના છે. હાર્દિક પટેલની કોંગ્રેસના નેતળત્‍વ સાથે વધતી તિરાડનો નમૂનો તાજેતરમાં જ જોવા મળ્‍યો હતો. એમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્‍યું હતું. દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્‍ટેજ પર હતા, કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના જણાવ્‍યા અનુસાર, કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે એનાથી રાહુલ ગાંધી ખુશ નથી. ૧૪ એપ્રિલના રોજ PTI સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્‍યું હતું. જોકે તેમની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્‍યા હતા. હાર્દિક પટેલે ન્‍યૂઝ એજન્‍સી પીટીઆઈને જણાવ્‍યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે હું બહુ ખરાબ અનુભવું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્‍છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્‍થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.

 

(3:39 pm IST)