Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે અગમ્ય કારણોસર પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા પોલીસ ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો દાખલ

આણંદ : પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર અગ્નિસ્નાન કરી મોતની પછેડી ઓઢી લીધી છે. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે પતિની ફરીયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો. 

જો કે બીજી તરફ પરિણીતાના ભાઈએ પતિ સહિતના સાસરીયાઓ વિરુધ્ધ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોજિત્રા તાલુકાના કાસોર ગામે રહેતી તેજલબેન પરમારના લગ્ન વર્ષ-૨૦૧૩માં ધર્મજ ગામના મહેશભાઈ મનુભાઈ પરમાર સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતા. દરમ્યાન તેજલબેન મહેશભાઈ પરમારે (ઉં.વ. ૨૪) ગતરોજ બપોરના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપતા તેણી ગંભીર રીતે દાઝી ગઈ હતી. શરીરે ગંભીર રીતે દાઝી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મોતને ભેટનાર તેજલબેન એક પુત્રીની માતા હતી. તેણીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગતરોજ પતિ મહેશભાઈ પરમારની ફરીયાદના આધારે અપમૃત્યુની નોંધ નોંધી હતી. જો કે આજે મરણ જનાર પરિણીતાના ભાઈએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં પતિ સહિતના સાસરીયાઓ વિરુધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પરિણીતાના ભાઈ મહેશભાઈ ઉર્ફે શંભુ પરમાર દ્વારા અપાયેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ લગ્ન જીવનથી તેજલને પુત્રીનો જન્મ થયા બાદ પતિ મહેશભાઈ પરમાર તથા સાસુ ગંગાબેન અને સસરા મનુભાઈ દ્વારા અવારનવાર ઝઘડા કરી અપશબ્દો બોલવામાં આવતા હતા. લગ્નના સાત-આઠ વર્ષ વીતવા છતાં પણ પુત્ર પ્રાપ્તિ ઝંખી રહેલ સાસરીયાઓએ તેજલબેનને શારિરીક માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખતા ગઈકાલ સાંજના સુમારે તેજલબેને આ પગલું ભર્યું હતું. પતિ સહિતના સાસરીયાઓથી કંટાળી જઈ તેણીએ આપઘાત કર્યો હોય મહેશભાઈ ઉર્ફે શંભુ રમેશભાઈ પરમારે તેજલબેનના પતિ સહિત સાસુ-સસરા સામે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(6:33 pm IST)