Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને પશુ દીઠ રૂ. ૩૦ની સહાય તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી અપાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

સેવાસેતુના આઠમા તબક્કામાં ૯૯.૫૮ અરજીઓનો હકારાત્મક નિકાલ : બાકી રહેલા નાગરિકોને લાભ આપવા સૂચના: માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરીના સમન્વય માટે કોમન ઈન્ટીગ્રેટેડ એપ્લિકેશન કાર્યરત કરાશે :ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી : ખેડૂતોને રૂ.૧૪૮૨ કરોડ ચૂકવાયા: અમૃત સરોવર યોજના હેઠળ જિલ્લા દીઠ ૭૫ સરોવર નિર્માણના કામો સત્વરે હાથ ધરાશે:સુજલામ સુફલામ યોજના હેઠળ જનભાગીદારી થકી ૮૪ ટકા કામગીરી પૂર્ણ: જનસુખાકારીના વિકાસ કામોની ફાઇલોમાં સંબંધિત વિભાગોને અગ્રિમતાના ધોરણે અભિપ્રાય આપવા સૂચના

અમદાવાદ:રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.૩૦/ની સહાય ગત તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગૌ માતા સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂ.૫૦૦ કરોડની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. જેમાં રજીસ્ટર્ડ પાંજરાપોળોમાં ૪.૪૨ લાખથી વધુ પશુધન છે તેઓને સહાયરૂપ થવા આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાંજરાપોળોમાં ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.૨ કરોડની સહાય અપાશે. જેમાં ૧૪ એકર જમીન તથા ૧૦૦૦થી વધુ પશુ નિભાવ હોય તેને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયને પરિણામે સાધુ-સંતો, પાંજરાપોળના સંચાલકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન પણ આગામી સમયમાં કરવામાં આવશે.
પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, મોરબીના હળવદ જીઆઇડીસીમાં દીવાલ પડવાની ઘટનામાં ૧૨ શ્રમિકોના દુઃખદ મૃત્યુ થયા છે અને ૨૦ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ શ્રમિકો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાનએ પ્રાઈમ મીનીસ્ટર નેશનલ રિલિફ ફંડમાંથી મૃતકોના પરિવારોને રૂ.બે લાખ તેમજ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. ૪ લાખ સહાય આપવાનું જાહેર કર્યું છે આ ઉપરાંત ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય તેમજ તેમના સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપશે તેમ પ્રવકતા મંત્રીએ મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ આપતાં ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે ચણા પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વખત ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી પણ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને રૂ. ૧,૪૮૧ કરોડની ચૂકવણી પણ કરી દેવાઈ છે અને જરૂર પડે ટેકાના ભાવે વધુ ચણાની ખરીદી ખેડૂતોના હિતમાં કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલ વિભાગ દ્વારા ૨૪ જેટલા જમીનોને લગતા ઈનામી કાયદાઓમાં નોધપાત્ર સુધારાઓ કર્યાં છે. જેના પરિણામે ખેડૂતોના નવી શરત અને જૂની શરતના મોટા ભાગના પ્રશ્નો હલ થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે હેઠળ દેશભરના તમામ જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધરાયું છે એ ક્ષેત્રે પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે જે માટે સંબંધિતોને સત્વરે કામો પૂર્ણ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીભૂપેન્દ્રભાઇ યાદવ આગામી તા. ૨૩ મે થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓગુજરાતનું ગૌરવસમા એશિયાટીક સિંહોના સંવર્ધન સંદર્ભે તથા ગિર અભયારણ્ય નેસમાં વસતા નાગરિકો, હોટલના માલિકો અને ખેડૂતો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરશે. આ ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમિક્ષા બેઠક યોજશે.
તેમણે ઉમેર્યુ કે તાજેતરમાં ભાજપાની ચિંતન બેઠક યોજાઇ હતી એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભો સત્વરે નાગરિકોને મળતા થાય એ માટે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક કરીને કામો પૂર્ણ કરવા પણ સૂચના આપી છે. 
પ્રવકતા મંત્રીએ સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યક્રમ અંતર્ગત ૫૬ જેટલી સરકારી સેવાઓ ઘર બેઠાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુના આઠમા તબક્કાના બીજા રાઉન્ડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪,૫૭,૨૨૨ અરજીઓ પૈકી ૪,૫૭,૨૧૬ એટલે કે ૯૯.૫૮ ટકા અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે જયારે બાકી રહેતા લાભાર્થીઓને સત્વરે લાભ પૂરા પાડવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગની માહિતી આપતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા વિભાગ-વિભાગીય તેમજ રાજ્ય સ્તરીય સંલગ્ન એપ્લિકેશન સમન્વય કરીને એક કોમન ઈન્ટિગ્રેટેડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં વિભાગીય સ્તરે કામોનું નિરીક્ષણ, શેડ એસેટ, મેનેજમેન્ટ વગેરે જ્યારે રાજ્ય સ્તરીય સંલગ્ન એપમાં ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. એકસાથે ઈન્ટિગ્રેટેડ થવાથી વિભાગ, સરકાર તેમજ નાગરિકો માટે વધુ સારી સવલતો સમયસર પૂરી પાડી શકાશે. કામ મંજુરીથી કામ પૂર્ણ થાય ત્યાં સુધીના તબક્કાઓનું સતત મોનિટરિંગ થઈ શકશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રવકતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને જળ સંચય થાય તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ ૮૪ ટકા કામો પૂર્ણ થયા છે. જે માટે કુલ ૬૧૭.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે તા. ૧૯ માર્ચ ૨૦૨૨થી જળ અભિયાનના કામોનો શુભારંભ કરાયો હતો જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ રૂ. ૬૧,૭૪૪ લાખના ખર્ચે કુલ ૧૮,૭૯૦ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી કુલ ૧૪,૨૧૭ કામો પ્રગતિ હેઠળ છે અને ૧,૮૦૯ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યુ કે રાજ્યના નાગરિકો માટે જનસુખાકારીના કામો વધુ વેગવાન બને એ માટે ફાઇલો જે સંબંધિત વિભાગને મંજૂરી માટે જતી હોય છે તે ફાઇલોને અગ્રિમતા આપી તુરંત નિકાલ કરવા પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા સૂચનાઓ અપાઇ છે. પીવાના પાણી સંદર્ભે પણ રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે.

 

(7:02 pm IST)