Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પત્ની સાથેના લફરાની શંકાએ યુવકની મિત્રએ જ હત્યા કરી

દહેગામના જમીન દલાલની હત્યાનો ભેદ ઉકેલાયો : હત્યારો ચિરાગ તેના મિત્ર પાર્થની ગાડીમાં બેઠો હતો અને તપાસમાં તેના ફિંગરપ્રિન્ટ આવે તો પોતે પકડાઈ શકે છે તેવા ડરે તેણે પાર્થની ગાડી પેટ્રોલ છાંટીને સળગાવી મારી

અમદાવાદ, તા.૧૮ : દેહગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના જમીન દલાલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. અમિયાપુરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળેલી લાશ ગુમ થયેલા ૨૪ વર્ષના પાર્થ કમલેશભાઈ ઠાકોરની જ હોવાનું માલુમ પડતા પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી. આ સાથે પાર્થની કાર નિકોલ પાસેથી સળગેલી હાલતમાં મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. સીસીટીવી સહિત અન્ય ટેક્નિકલ તપાસ કરતા એક એક્ટિવા ચાલકની શંકાસ્પદ હીલચાલ જણાઈ હતી. આ મામલે તપાસ કરીને પોલીસે પાર્થના મિત્ર અને ન્યુ નરોડાના ચિરાગ વિનોદભાઈ પટેલને ઝડપી લઈને કડક પૂછપરછ શરુ કરી હતી, આ પૂછપરછ દરમિયાન ચિરાગે તમામ વિગતો જણાવી અને પોલીસ પાર્થ ઠાકોરના હત્યા કેસના મૂળ સુધી પહોંચી ગઈ હતી.

રિપોર્ટ્સ મુજબ મૃતક પાર્થ ઠાકોર અને મિત્ર ચિરાગ પટેલ બન્ને મિત્રો હતા અને પાર્થ જમીન દલાલી અને ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બન્ને મિત્રો હોવાથી પાર્થનું ચિરાગના ઘરે આવવા જવાનું રહેતું હતું, આ દરમિયાન ચિરાગને તેની પત્ની વચ્ચે લફડું ચાલતું હોવાની શંકા હતી, જેના કારણે જ આ હત્યા થઈ હોવાનું બહાર આવી રહ્યું છે.

આ મહિનાની શરુઆતમાં ૪ મેના રોજ પાર્થ ઠાકોર સામાજિક પ્રસંગમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત વિતવા છતાં તે પરત ના આવતા તેના પરિવારજનોને ચિંતા થવા લાગી હતી. તેમણે દીકરાની શોધખોળ હાથ ધરી. પોલીસ સુધી આ વાત પહોંચતા નિકોલમાંથી સળગેલી હાલતમાં મળેલી પાર્થની કાર અને અમિયાપુરમાંથી મળેલી તેની લાશની વધુ તપાસ કરતા આ કેસમાં મિત્રનો જ હાથ હોવાની શંકા ઉભી થઈ હતી. પોલીસે મૃતક પાર્થના મિત્રને ઝડપી લઈને તપાસ કરતા આખી ઘટના પરથી પડદો ઉચકાયો હતો.

મળતી વિગતો પ્રમાણે વાસણા રાઠોડ ગામનો પાર્થ પોતાના ઘરેથી નીકળ્યો પછી તેના મિત્ર ચિરાગ પટેલને મળ્યો હતો. આ દરમિયાન બન્ને જણા કેનાલ પર ઉભા હતા અને અહીં ગાંજાવાળી સિગરેટ ફૂંકતા હતા, આ દરમિયાન કામની બાબતે પાર્થ ચિરાગને ઠપકો આપવા લાગ્યો હતો અને પહેલાથી જ પત્ની સાથે લફડાની શંકાના કારણે પાર્થને દાઝમાં રાખનારા ચિરાગે આવેશમાં આવીને પાર્થને નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો હતો. મિત્રને ધક્કો માર્યા બાદ ચિરાગ ત્યાંથી રવાના થઈ ગયો હતો અને આગળ જઈને પોતાનું એક્ટિવ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બન્ને મિત્રો કેનાલ પર ગાંજાવાળી સિગરેટ પીવા માટે ગયા હતા તે પહેલા હત્યારો ચિરાગ તેના મિત્ર પાર્થની ગાડીમાં બેઠો હતો અને તપાસમાં તેના ફિંગરપ્રિન્ટ આવે તો પોતે પકડાઈ શકે છે તેવા ડરે તેણે પાર્થની ગાડીને પેટ્રોલ છાંટીને સળગાવી મારી હતી. આમ ચિરાગે પાર્થની હત્યાના કેસમાં પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી લીધી હતી. હવે પોલીસે આ કેસમાં આગળની જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

(7:56 pm IST)