Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરતમાં રૃ.૨૨ લાખની કારના નંબર માટે ૫.૮૯ લાખ ખર્ચ્યાં

શોખીનો માટે નથી કોઈ રોક : નવી આરએસ સિરીઝના ગોલ્ડ અને સિલ્વર કાર નંબરો માટે સુરત આરટીઓ દ્વારા હરાજી કરવામાં આવી જેમાં ૦૦૦૧ નંબર માટે ગ્રાહકે મોટી રકમ ચુકવી

સુરત, તા.૧૮ : પસંદગીની કાર ખરીદવા માટે ગ્રાહકો કારના ડિલર પાસે ડિસ્કાઉન્ટ માગતા હોય છે અને તે મળી પણ જતું હોય છે, પણ આ કાર લીધી પછી મનગમતો નંબર લેવા માટે કેટલાક ગ્રાહકો પાણીની જેમ રૃપિયા વહાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે કે જ્યાં એક વ્યક્તિએ ૨૨ લાખ રૃપિયાની નવી સ્કોર્પિયો કારની ખરીદી કર્યા પછી તેના ત્રીજા ભાગ જેટલી રકમ મનપસંદ નંબર પાછળ ખરચી નાખી છે. ગોલ્ડ-સિલ્વર નંબર માટે થતી હરાજીમાં સુરત આરટીઓને લાખોની આવક થઈ છે.

મળતી વિગતો પ્રમાણે મંગળવારે સવારે નવી આરએસ સિરીઝના ગોલ્ડ અને સિલ્વર કાર નંબરો માટે સુરત આરટીઓ દ્વારા હરાજી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિએ ૨૨ લાખ રૃપિયાની સ્કોર્પિયો કાર ખરીદ્યા બાદ પોતાની પસંદગીનો નંબર લેવા માટે રૃપિયા ૫.૮૯ લાખ ખરચી નાખ્યા છે. વાહનચાલકે પોતાની પસંદનો ૦૦૦૧ નંબર લેવા માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી.

ઊંચી બોલી લગાવીને પસંદગીનો નંબર પોતાના વાહનને મળે તેવો પ્રયાસ કરીને સફળ થયેલા શખ્સ પાસે અગાઉની જે બે કાર છે તેનો નંબર પણ નંબર ૦૦૦૧ છે, આ સાથે ત્રીજી કારમાં પણ એ જ નંબર લેવા માટે વાહનચાલકે મંગળવારે ૫.૮૯ લાખની બોલી લગાવી દીધી હતી. અહીં મહત્વનું છે કે નવી સિરીઝના નંબરોની હરાજી મોટાભાગે ગોલ્ડ અને સિલ્વર નંબરો પર નક્કી કરવામાં આવેલી બેઝ પ્રાઈઝ પર ખરીદવામાં આવતા હોય છે.

પોતાની પસંદગીના વાહન નંબર લેવા માટે વાહનચાલકો લાખોમાં બોલી લગાવતા હોય છે ત્યારે શહેરની નવી આરએસ સિરીઝ માટે વાહનચાલકોએ લગાવેલી બોલીમાં કુલ ૨૬.૩૦ લાખની આવક થઈ છે. અગાઉ પણ જોવા મળ્યું છે કે વાહનચાલકોએ પોતાની પસંદગીના વાહન નંબર લેવા માટે લાખો રૃપિયા પાણીની જેમ વહેવડાવ્યા છે. આમ થવાથી રાજ્યની આરટીઓને પણ સારી એવી આવક થતી હોય છે, જેમાં અમદાવાદમાં વાહનચાલકો દ્વારા પસંદગીનો નંબર લેવા માટે લગાવાતી બોલીના લીધે અન્યા જિલ્લાઓની આરટીઓ કચેરી કરતા ઘણી ઊંચી આવક થતી હોય છે.

 

(7:59 pm IST)