Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાજપના કાર્યકરો હાર્દિકનો સ્વીકાર કરે એમ લાગતું નથી : વરૃણ પટેલ

હાર્દિકના ભાજપમાં જોડાવા પર જૂના મિત્રના પ્રહાર : ભાજપના કાર્યકરોએ ભાઈની સામે સંઘર્ષ કર્યો છે તે જોતાં કાર્યકરો તેનો સ્વીકાર કરે તેવું લાગતું ન હોવાનો યુવા નેતાનો દાવો

અમદાવાદ, તા.૧૮ : પાટીદાર અનામત આંદોલનથી જાહેર જીવનની શરુઆત કરી કોંગ્રેસમાં એન્ટ્રી સાથે રાજકારણમાં ઝંપલાવનારા હાર્દિક પટેલે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના ટાણે જ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે તેવી જોરદાર અટકળો છે ત્યારે હાર્દિકના જૂના સાથી તેમજ પાટીદાર અનામત આંદોલનમાં તેની સાથે રહેનારા વરુણ પટેલે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. વરુણ પટેલે એક ટ્વીટ કરીને હાર્દિકનું નામ લીધા વિના જણાવ્યું છે કે ભાજપના કાર્યકરો તેનો સ્વીકાર કરે તેવું લાગતું નથી. ૨૦૧૭માં જ ભાજપમાં જોડાઈ ચૂકેલા વરુણ પટેલે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જે રીતે ભાજપના કાર્યકરોએ ભાઈની સામે (અહીં તેમણે હાર્દિકના નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો) સંઘર્ષ કર્યો છે તે જોતાં કાર્યકરો તેનો સ્વીકાર કરે તેવું લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વિનાની લાગે છે, બાકી જાય જેને જ્યાં જવું હોય ત્યાં.. આગળ વરુણ પટેલ એમ પણ જણાવે છે કે ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી. પાટીદાર આંદોલનમાં વરુણ પટેલ અને હાર્દિક પટેલ સાથે જ સભાઓ ગજવતા હતા. હાર્દિક જેલમાં ગયો ત્યારે પણ વરુણ પટેલ તેની સાથે હતા. જોકે, વરુણ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો ત્યારે તેમના પર અનેક આક્ષેપ થયા હતા. હાલ પણ વરુણ પટેલ ભાજપમાં જ છે, પરંતુ તેમણે હાર્દિકના ભાજપમાં આવવાની વાતને પાયાવિહોણી ગણાવવાની સાથે જો હાર્દિક આવશે તો શું થઈ શકે છે તે પણ તેનું નામ લીધા વિના જ જણાવી દીધું છે.

આમ, હાર્દિક પટેલ હજુ ભાજપમાં જોડાવા અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરે તે પહેલા જ તેની સામે તેના જ પૂર્વ સાથીએ તલવાર ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને તેને ખાસ્સું નુક્સાન પહોંચાડ્યું હતું. પાટીદાર અનામત આંદોલનની અસરને લીધે ભાજપ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૯૯ બેઠકો જ જીતી શક્યો હતો. જોકે, ત્યારબાદ કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે અને આ સિલસિલો હજુય ચાલુ જ છે. કોંગ્રેસના અન્ય આગેવાનો કે પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રીનો એવો કોઈ મોટાપાયે વિરોધ જોવા નથી મળ્યો, પરંતુ હાર્દિક જો આવો કોઈ નિર્ણય લે તો વિરોધ થાય છે કે કેમ તે પણ જોવું રહેશે.

(8:00 pm IST)