Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદમાં મેઘરાજાની મહેર, કેટલીક જગ્યાએ પાણી ભરાયા

રાજ્યના અનેક વિસ્તારોમાં જામતું ચોમાસુ : આગામી દિવસો સુધી વરસાદી વાતાવરણ રહેવા આગાહી

અમદાવાદ, તા. ૧૭ : ગઈકાલે આખા દિવસના ઉકળાટ બાદ સાંજે થયેલા ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ અમદાવાદમાં જમાવટ કરી છે. આજે બપોરે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટું પડી જતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. સીજી રોડ, નવરંગપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં આજે બપોરે સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, શહેરમાં આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ બન્યું રહેશે.

આજે બપોરે પડેલા ઝાપટાંને કારણે મીઠાખળી અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવો પડ્યો હતો. પંચવટી સર્કલ તેમજ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ પરેશાન થવું પડ્યું હતું. અમદાવાદમાં ગઈકાલે રાત્રે સારો એવો વરસાદ પડ્યા બાદ આજે સવારે ફરી ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. જોકે, બપોરે ફરી ઝાપટું પડી જતાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ આજે બપોરે વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ગત સપ્તાહે જ ચોમાસુ સત્તાવાર રીતે એન્ટ્રી કરી ચૂક્યું છે. અમદાવાદમાં શનિ-રવિ દરમિયાન વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઈ હતી. જોકે, ચોમાસુ આગળ વધતું અટકી જતાં અમદાવાદ કોરું રહી ગયું હતું. છેલ્લા બે દિવસમાં ચોમાસુ લગભગ આખાય રાજ્યમાં પ્રસરી ચૂક્યું છે, અને ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ-અલગ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. તાપમાનનો પારો પણ આ દરમિયાન નીચો રહેશે અને રાત્રે ઠંડક અનુભવાશે.

દરમિયાનમાં આજે બપોરે વડોદરામાં વાજતે-વાજતે વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ શહેરમાં લગભગ અડધાથી પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે પડેલાં ધોધમાર વરસાદને કારણે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં વાહન-વ્યવહારને અસર પડી હતી.

વડોદરામાં ભારે પવન સાથે પડેલાં વરસાદને પગલે મુક્તાનંદ વિસ્તારમાં આવેલું હોર્ડિંગ્સ પડી ગયું હતું. આ ઘટનામાં કઇ જાનહાનીના સમાચાર નથી. આ સાથે જ પવનને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

શહેરમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ લગભગ અડધા કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને પાણી ભરાવવાની સમસ્યાને પગલે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં ૨.૪ ઇંચ વરસાદ પડ્યો છે.

(8:58 pm IST)