Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

RTEના વિદ્યાર્થીઓને સ્કૂલના ગ્રુપમાંથી રિમુવ કરાતા વિવાદ

અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની મનમાની : વાલીઓનું કહેવું છે કે નવું સત્ર શરૂ થતાં જ ઓનલાઇન ક્લાસ માટેના ગ્રુપમાથી ૨૮ વાલીઓને કાઢી નાખવામાં આવ્યા છે

અમદાવાદ,તા.૧૭ : હજુ તો ચાલુ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ જ થયું છે ત્યાં શાળાઓના સંચાલકો વિવાદમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં જોવા મળી છે. જ્યાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને ઓનલાઇન અભ્યાસના ગ્રુપમાંથી રિમુવ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જે મામલે વાલીઓએ સ્કૂલ પર જઈ હોબાળો મચાવ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે અને જો સ્કૂલની કોઈ ભૂલ જણાશે તો આરટીઈના એકટ અંતર્ગત કાર્યવાહી અને દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના સેટેલાઇટમા આવેલ આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ દ્વારા ગત વર્ષે આરટીઈ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ લીધેલ બાળકોના એડમિશન ધોરણ-૨માં આવતા રદ કરી દેવામાં આવ્યાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે.

      જેના પગલે વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. જોકે આ મામલે સ્કૂલે વાલીઓને કોઈ જવાબ આપ્યો ન હતો. વાલીઓનું કહેવું છે કે નવું સત્ર શરૂ થતાં જ ઓનલાઇન ક્લાસ માટેના ગ્રુપમાથી ૨૮ વાલીઓને કાઢી નાખવામાં આવ્યા છે. અચાનક જ આ પગલાંથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. વર્ષ ચાલુ થયું ત્યારે જ સ્કૂલ દ્વારા આરટીઈ હેઠળના એડમિશન વિના કોઈ કારણે રદ કરવામાં આવ્યા છે. ગત વર્ષે એડમિશન લીધું ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અંગેની કોઈ રિસિપ્ટ આપવામાં આવી ન હતી. માત્ર સ્કૂલના વોટસએપ ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા. ગૌરવ પ્રેસવાળા નામના વાલીએ જણાવ્યું કે તેમની દીકરીનું ગયા વર્ષે આરટીઈ હેઠળ સ્કૂલમાં એડમિશન થયું હતું જે માટે અમે રિસિપ્ટ માંગી હતી પરંતુ આપી ન હતી. ગયા વર્ષે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું ત્યારથી અમને રેગ્યુલર ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ૨ દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ અમને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

(8:51 pm IST)