Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુખ્યમંત્રી માટે ઢગલાબંધ નામો અપાયાઃ જ્ઞાતિ- રાજકારણનો નવો યુગ? મુખ્યમંત્રી અમારા

ક્ષત્રિય સમાજે અને કોળી- ઠાકોર સમાજે સીએમ માટે સંખ્યાબંધ નામો સૂચવ્યા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ કરતા વધુ સમયની વાર છે. ત્યારે જ્ઞાતિવાદનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. ખોડલધામમાં પાટીદારોની મળેલી બેઠકમાં પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ. આ નિવેદનને લઈને ગુજરાતના અલગ અલગ સમાજ હવે મેદાને આવ્યા છે. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરાઈ હતી કે, મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજના હોવા જોઈએ. ત્યારે હવે કોળી- ઠાકોર સમાજની રાજકોટમાં બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર અને કોળી સમાજના બનાવવા માંગ ઉઠી છે.

કોળી- ઠાકોર સમાજની મળેલી બેઠકનો વીડિયો સામે આવ્યો છે. કોળી- ઠાકોર સેનાના રાજકોટ શહેર પ્રમુખ રણછોડભાઈ ઉધરેજાએ બેઠક બાદ જણાવ્યું હતું કે સર્વશ્રી અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઈ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોતમ સાબારીયા, ભરતસિંહમ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોરમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૨માં આવનાર વિધાનસભાની  ચૂંટણીને લઈને અમે કોળી- ઠાકોર સમાજ સંગઠન બનાવી રહ્યા છીએ. અમારો સમાજ મોટામાં મોટો સમાજ છે. મંત્રીમંડળમાં અમારા સમાજને કયાંય લેવામાં નથી આવતા. અમારા સમાજ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ પણ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજમાંથી હોય તેવી ઈચ્છા વ્યકત કરી છે. સાથે તેમના સમાજમાં રહેલા મુખ્યમંત્રી પદના દાવેદારોનાં નામ પણ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓએ એ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ કે, મુખ્યમંત્રી કોઈ સમાજનો હોય તેના કરતાં વધુ તે ગુજરાતનો હોય તે વધુ મહત્વનું છે. આ માટે તેઓએ શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ  ચુડાસમા, આઈ.કે. જાડેજા સહિતનાં દિગ્ગજ નેતાઓનાં નામનું સૂચન પણ કર્યું છે.

(1:04 pm IST)