Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

નરેશભાઇના નિવેદન પાછળ કોઇપણ સમાજની લાગણી દુભાવવાનો તેમનો ઇરાદો નથી : આર.પી.પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેને કહ્યું કે, મુખ્યમંત્રી કોને બનાવવા તે પક્ષનો અંગત મામલો

રાજકોટ તા. ૧૮ : ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલે ૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર વ્યકિત હોવી જોઇએ તેવા નિવેદન બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી.પટેલે નરેશભાઇના નિવેદન અંગે પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું છે કે, નરેશભાઇએ તેમની લાગણી વ્યકત કરી છે, પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવા તે જે તે રાજકીય પક્ષનો અંગત મામલો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોઇપણ સમાજની વ્યકિત મુખ્યમંત્રી બને તો તે સમાજ માટે ગૌરવની બાબત હોય છે. પણ નરેશભાઇના નિવેદનને કારણે અન્ય કોઇ સમાજની લાગણી દુભાવવાનો કોઇ ઇરાદો નથી. નરેશભાઇને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે હકારાત્મક અભિગમ અપનાવીને આ પ્રકારનો જવાબ આપ્યો હતો.

શ્રી આર.પી.પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની ખોડલધામમાં આ કોઇ રાજકીય બાબતને લઇને મીટીંગ નહોતી. જોગાનુજોગ આ સમયગાળામાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલ ગજુરાત આવ્યા અને ભાજપના પ્રભારી પણ ગુજરાત આવ્યા હતા.

નરેશભાઇના નિવેદનને તેમણે અંગત ગણાવત કહ્યું કે, મીડિયા દ્વારા જ્યારે તેમને ભાવિ મુખ્યમંત્રી અંગે સવાલ પૂછયો ત્યારે તેના પ્રતિભાવમાં આ લાગણી વ્યકત કરી હતી. તેમના આ નિવેદનથી કોઇ સમાજની લાગણી દુભાવવાનો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી.

(1:05 pm IST)