Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સુરતમાં 'આપ'ના મહિલા કોર્પોરેટરનો ભાજપમાં જોડાવાની ૩ કરોડની ઓફરનો આરોપ

મહિલા કોપોરેટરના આક્ષેપથી રાજકારણ ગરમાયું: 'આપ'નો ભાજપને બદનામ કરવાનો કારસો : ધારાસભ્ય

સુરત, તા. ૧૮ :  સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ભાજપમાં જોડાવા માટે રૂ. ૩ કરોડની ઓફર હોવાનો આક્ષેપ કર્યા હતો જેનો કામરેજના ધારાસભ્ય  ઝાલાવાડીયાએ નકારી કાઢયા છે.

સુરતની આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા તરફથી ભાજપમાં જોડાવા માટે રૂપિયા ૩ કરોડની ઓફર કરી હોવાનો આરોપ લગાવતા ભારે ચર્ચા જાગી છે.

સુરતના વોર્ડ નંબર ૩ ના આપના મહિલા કોર્પોરેટર તરફથી ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાવા માટે રૂપિયા ૩ કરોડની ઓફર કરાઇ હોવાનો આક્ષેપ કરવામાં આવતા રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ઉપરાંત ભાજપના કારણે જ પોતાના પતિ સાથે છુટાછેડા થયા હોવાનું પણ મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આરોપ લગાવવામાં અવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ પત્રકારોને જણાવાયુ હતું કે કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા તરફથી ભાજપમાં જોડાવવા માટે રૂપિયા ૩ કરોડની ઓફર કરાઇ હતી. જો કે તેમણે આ ઓફર નકારી દેતા ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને રપ  લાખની લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાયું હતું.

કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા જુઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે અને આ તમામ વાતો પાયાવિહોણી છે. આપની મહિલા કોર્પોરેટરને હું કદી મળ્યો પણ નથી અને તેઓને ઓળખતો પણ નથી. મેં કોઇ જ ઓફર નથી કરી, મને આજે આ આક્ષેપ બાદ જાણવા મળ્યુ઼ છે કે મહિલા કોર્પોરેટર અને તેના પતિના છુટાછેડા થયા છે. ઉપરાંત તેના પતિને રૂપિયા રપ લાખ આપ્યાની વાતમાં કોઇ દમ નથી.

(3:01 pm IST)