Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વડોદરાના પાદરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે ડભાસા અને મહુવડ રોડ ઉપર અકસ્માતોની વણઝારઃ ડામરના રિસર્ફેસિંગનું કામ યોગ્ય ન થતા અનેક વાહનો સ્લીપ થયા

પાદરા: વડોદરાના પાદરા વિસ્તારમાં આજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે પાદરાના ડભાસા અને મહુવડ રોડ અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. રોડ પર ડામરના રિસર્ફેસિંગનું કામ યોગ્ય રીતે નહિ થતા ડભાસા રોડ અનેક વાહનોને અકસ્માત નડ્યો હતો. જોકે, પહેલા વરસાદે પાદરા પાલિકાએ કરેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલ્લી પડી છે.

પાદરામાં વરસાદની સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ આવી પડી છે. પાદરા જંબુસર હાઇવે પર ડભાસા ગામથી મહુવડ જવાના માર્ગ પર સવારથી અકસ્માતોની વણઝાર જોવા મળી હતી.

અકસ્માતમાં એક મિની લકઝરી પલ્ટી ખાઈ ગઈ હતી. સાથે તે સ્થળ પર ST બસને પણ રોડ પર અકસ્માત નડ્યો હતો. ડામરની યોગ્ય રીતે કામગીરી નહિ થતા બસ રોડ પર સ્લીપ ખાઈ ગઈ હતી, અને ડમ્પર સાથે ભટકાઈ હતી. જ્યારે અન્ય ત્રણ જેટલા ટુ વ્હીલરને પણ અકસ્માત નડ્યો હતો.

પ્રાઇવેટ વાહનોના અકસ્માતોની લાઈન લાગી હતી. ખાસ કરીને વાહનો રોડ પર સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ વધુ બની હતી. ઉલ્લેખનીય છે કે, એક સ્થળે 5 વાહનોના વિચિત્ર અકસ્માત થયા હતા. એક તરફ વરસાદ અને બીજી તરફ રોડ પર ડામર ઉખડતા વાહનચાલકો સીધા સ્લીપ ખાઈને પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ સમાચાર થયા નથી.

(5:39 pm IST)