Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

છેતરપીંડીના ગુન્હામાં ધરપકડ કરાયેલ ગઠીયાએ કાર્યકરે PSI ને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી

ઘાટલોડિયાના મિત્રની ગાડી લઈને પાછી નહીં આપતા પૂર્વ રાજકીય કાર્યકર એવા આરોપીએ પોલીસ સ્ટેશન માથે લીધું : સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી જઈશ, તમને છોડીશ નહીં તેવી ચીમકી આપી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના માજી કાર્યકર મનીષ બ્રહ્મભટ્ટની વાસણા પોલીસે ગાડીનો કદડો કરવાના કેસમાં ધરપકડ કરી હતી. ગઠિયાએ પોલીસ સ્ટેશનના પીએએસઆઈને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

મૂળ પાલનપુરના ચંડીસરના વતની અને ઘાટલોડિયા સન ડિવાઈનમાં રહેતા મનીષ બ્રહ્મભટ્ટે તેના મિત્ર દિપેશ સોનીની વર્ના ગાડી બહારગામ જવા માટે ભાડેથી લીધી હતી. જો કે, તે બહાર ન ગયો હતો અને તે ગાડી અમદાવાદમાં જ ફરાવતો હતો. જેથી આ વાતની જાણ તેના મિત્ર દિપેશને થતા તેણે તેની ગાડી પાછી માંગી હતી. પરતું આરોપીએ તેને ધમકી આપી હતી કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, જેને કહેવું હોય તેને કહે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર. તને ગાડી પાછી નહીં જ મળે.

આ અંગે દિપેશ સોનીએ આરોપી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તેની બુધવાર મોડી રાત્રે ધરપકડ કરી હતી. પીએસઆઈ એસ.બી. ચૌધરીએ કાર્યવાહી કરતા મનીષે તેમને કહ્યું કે, તમે મને ખોટી રીતે આ ગુનામાં અટક કરો છો. હું તમને જોઈ લઈશ, હું પણ જોઉં છું કે તમે કેવી રીતે નોકરી કરો છો, અગાઉ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.અમીન અને દરજીને સસ્પેન્ડ કરાવ્યા છે. તમને પણ સસ્પેન્ડ કરાવી દઈશ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી જઈશ, તમને છોડીશ નહીં. જેથી વાસણા પીઆઈ એ. આઇ. મહેતાએ મનીષ વિરુદ્ધ કામગીરીમાં દખલ કરવા અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને વર્ના ગાડી, મોબાઇલ કબજે કર્યા હતા.

(7:24 pm IST)