Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગુજરાતના તટરક્ષક કમાન્ડર(ઉત્તર પશ્ચિમ) વિભાગનો કાર્યભાર સંભાળતા આઈ. જી.અનિલકુમાર હરબોલા

16વર્ષની સેવા દરમિયાન ICG સાથે જોડાયેલ તમામ જહાજોના સમુદ્રી સફરને લાગતી વહીવટી કામગીરીનો બહોળો અનુભવ કનીલ કુમાર ધરાવે છે :અભ્યાસ અને નોકરી દરમિયાન દેશ અને વિદેશોમાં પણ શ્રેષ્ઠ દેખાવ બાદ અનેકવાર મેડલો મેળવવાનું બહુમાન મળ્યું છે.

અમદાવાદ, 18  : ઇન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલાએ 18 જૂન 2021ના રોજ ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ના કમાન્ડર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ફ્લેગ ઓફિસર જાન્યુઆરી 1989થી સેવામાં જોડાયેલા છે. ભારતીય નૌસેના અકાદમીમાંથી પ્રારંભિક સૈન્ય તાલીમ પૂરી કર્યા પછી,ન તેમણે 'નૌસેના સંદેશાવ્યવહાર'માં વિશેષ તાલીમ મેળવેલી છે. ભારતીય તટરક્ષક દળ (ICG)માં તેમણે લગભગ 16 વર્ષની સેવા દરમિયાન ICG સાથે જોડાયેલા લગભગ તમામ પ્રકારના જહાજોમાં સમુદ્રી સફરને લગતી નિયુક્તિઓમાં ફરજ નિભાવી છે. વર્તમાન નિયુક્તિ સંભાળતા પહેલાં, તેઓ કોલકાતા ખાતે ઉત્તર-પૂર્વ પ્રદેશમાં તટરક્ષક દળ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યા હતા.

તેમણે સંગ્રામ, વરદ, તારાબાઇ અને હોવરક્રાફ્ટ H-182 આ ચાર ઍમ્ફિબિઅસ પ્લેટફોર્મ (જળ-સ્થળ પ્લેટફોર્મ) તટરક્ષક જહાજને 1998માં પ્રારંભિકરૂપે ભારતીય તટરક્ષક દળમાં સામેલ કરવામાં આવ્યા ત્યારે તેનું સંચાલન સંભાળ્યું છે. તટરક્ષક જહાજ તારાબાઇનું સંચાલન સંભાળ્યું ત્યારે તેમણે હાઇજેક થયેલા જાપાની વ્યાપારી જહાજ 'અલોન્ડ્રા રેઇન્બો'ને અરબ સમુદ્રમાં લગભગ 750 કિમી દૂર ચેઝ કર્યા પછી હાઇજેકરો સાથે જહાજને ઝડપી લઇને મુક્ત કરાવ્યું હતું. તેમને આ 'શૌર્ય' બદલ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા 'તટરક્ષક મેડલ' (TM) એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમની મહત્વપૂર્ણ નિયુક્તિઓમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ માટે તટરક્ષક કમાન્ડર, પોર્ટબ્લેર ખાતે CG પ્રદેશ (આંદામાન અને નિકોબાર)ના ચીફ ઓફ સ્ટાફ, મુંબઇમાં પ્રાદેશિક વડામથક ખાતે ચીફ સ્ટાફ ઓફિસર (કાર્મિક અને વહીવટીતંત્ર), નવી દિલ્હી ખાતે તટરક્ષક વડામથકમાં સંદેશાવ્યવહાર અને ભરતીના સંયુક્ત નિદેશક અને ભારતીય તટરક્ષક દળના સંયુક્ત મહા નિદેશક (DGICG)ના તટરક્ષક સહાયક (CGA)નો સમાવેશ થાય છે. DGICG દ્વારા પણ તેમની પ્રશંસા કરવામાં આવી છે.

નૈનિતાલની કુમાઉ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે તેમજ ઓસ્માનિયા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ અભ્યાસમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. તેમજ મદ્રાસ યુનિવર્સિટીમાં તેમણે સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસમાં પદવી મેળવી છે. તેઓ US તટરક્ષક દળની વર્જિનિયામાં યોર્ક ટાઉન ખાતે આવેલી ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓફિસર્સ સ્કૂલ અને સિકંદરાબાદ ખાતે સંરક્ષણ વ્યવસ્થાપન કોલેજ તેમજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ નવી દિલ્હી ખાતે આવેલી સંરક્ષણ મનોવૈજ્ઞાનિક સંશોધન સંસ્થા (DIPR)માં ઇન્ટરવ્યુઇંગ ઓફિસર (IO) તરીકે પણ ક્વૉલિફાઇ થયા છે.

(8:35 pm IST)