Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ધો.12 સાયન્સમાં ગણિત અને વિજ્ઞાનના માર્ક ધ્યાને લેવાશે ? ફોર્મ્યુલા નક્કી કરવા બાબતે જબરી મૂંઝવણ

ધોરણ-10ના કયા વિષયના ગુણ ધોરણ-12ની કઈ સ્ટ્રીમ માટે ગણવામાં આવશે તે અંગે દુવિધા

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ફોર્મ્યુલામાં ધોરણ-10ના પરિણામનું વેઈટેજ 50 ટકા રાખવામાં આવ્યું છે. જો કે, આ વેઈટેજ માટે સીબીએસસીની માફક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયા વિષયના ગુણને ગણવા તે બાબતે ચોખવટ કરી નહીં હોવાથી શિક્ષકો મૂંઝવણમાં મૂકાયા છે. જોકે, બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ-10ના ગણિત અને વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાનું આયોજન થયું છે. કોમર્સમાં 100 કરતા વધુ વિષયો હોવાથી તેની ફોર્મ્યુલા કઈ રીતે નક્કી કરવી તે અંગે મુંઝવણ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય પ્રવાહમાં હોય તેમના માટે ગણિત અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવા અને આર્ટસમાં ભાષા અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવા તે પ્રકારની ફોર્મ્યુલાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના પરિણામમાં ધોરણ-10નું વેઈટેજ 50 ટકા રાખ્યું છે. જેમાં ધોરણ-10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ-12ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે તેમ જણાવાયું છે. જોકે, ધોરણ-10ના કયા વિષયના ગુણ ધોરણ-12ની કઈ સ્ટ્રીમ માટે ગણવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી આ મુદ્દે શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સ્પષ્ટતા કરશે અને ત્યારબાદ જ શાળાઓ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

વિષયની અનુબધ્ધતાને જોતા ધોરણ-10માં ગણિત અને સાયન્સમાં નબળા વિદ્યાર્થીઓના ઓછા ગુણ આવવાના લીધે ધોરણ-11માં આર્ટસ અથવા કોમર્સમાં પ્રવેશ લીધો હોય અને આ વિદ્યાર્થીઓના ધોરણ-12ના પરિણામ વખતે ગણિત અને વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવામાં આવે તો તેમને નુકશાન થવાની શક્યતા છે. જેથી વિષયની અનુબધ્ધતાને ધ્યાને લઈને બોર્ડ દ્વારા ધોરણ-10ના કયા વિષયના ગુણ કઈ સ્ટ્રીમ માટે ગણવા તે અંગેની માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં જાહેર કરશે તેમ જાણવા મળે છે.

બોર્ડ દ્વારા હાલમાં ધોરણ-12 સાયન્સના પરિણામ માટે ધોરણ-10ના ગણિત અને વિજ્ઞાન વિષયના ગુણ ધ્યાને લેવાનું આયોજન કરી રહી છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કોમર્સના વિષયો લેનારા વિદ્યાર્થીઓ માટે ગણિત અને સમાજવિદ્યા વિષયના ગુણ ધ્યાને લેવામાં આવી શકે છે. જ્યારે આર્ટસના વિષયો લેનારા વિદ્યાર્થીઓ માટે ભાષા અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય વિષયના ગુણ ગણવામાં આવે તેવી શક્યતા નહીવત જણાય છે. આમ, વિદ્યાર્થીઓને ધોરણ-10ના પરિણામના લીધે ધોરણ-12માં નુકશાન ન જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

(9:39 pm IST)