Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડોદરામાં ગંગાસ્વરૂપ બહેનો દ્વારા પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતું પોસ્ટરને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ગંગા સ્વરૂપ બહેનોને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ કાઢી આપવા બદલ ગંગાસ્વરુપ બહેનો દ્વારા ૧૩૪૮૭ સ્ટીકર્સ સાથે બેનર તૈયાર કર્યું

વડોદરા :આજથી બે દિવસ માટે પીએમ મોદી રાજ્યની મુલાકાતે છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આવતી કાલે તેઓ પ્રથમ પાવાગઢ અને ત્યાર બાદ વડોદરાની મુલાકાત લેશે. પીએમ મોદીની મુલાકાત પહેલા પાલિકા દ્વારા ગંગા સ્વરૂપ બહેનોનો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા તે બદલ ગંગાસ્વરૂપ બહેનો દ્વારા આભાર વ્યક્ત કરતું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું. જેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આમ પીએમ મોદીના આગમન પહેલા વડોદરાના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

રેકોર્ડ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા મહાનગર પલિકા દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા તે બદલ ગંગાસ્વરુપ બહેનો દ્વારા ૧૩૪૮૭ સ્ટીકર્સ ૧૨૦ x ૪ ફૂટના બેનર પર લગાવીને PMJAY યોજનાનો લાભ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો આભાર વ્યકત કર્યો છે. સ્ટિકરમાં ‘ગંગાસ્વરૂપ મહિલાઓ કો મિલા આયુષ્યમાન ભારત કા રક્ષા આધાર, પ્રધાનમંત્રીજી આપકા આભાર’ લખ્યું છે.

આ કાર્યને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરાવી વડોદરા મહાનગર પાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ એક જ જગ્યાએ સૌથી વધુ લોકો દ્વારા સફાઇ કામ કરવાનો રેકોર્ડ પણ વડોદરાના નામે નોંધાયો હતો. પીએમ મોદીના આગમન પહેલા વડોદરાએ દુનિયામાં વિખ્યાત રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આવતી કાલે પીએમ મોદીના કાર્યક્રમને લઇને તંત્ર સજ્જ બન્યું છે. વડોદરાવાસીઓમાં પીએમ મોદીને આવકારવા માટે અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

(11:13 pm IST)