Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અંકલેશ્વરમાંથી 10 કિલોથી વધુના ગાંજા સાથે સોયેબ શેખ ઝડપાયો :નશીલો પદાર્થ વેચનાર સુરતનો આરોપી વોન્ટેડ

જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી કુલ રૂ. 1.60 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી કુલ રૂ. 1.60 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના યુવાનની માદક પ્રદાર્થ સાથે ધરપકડ કરી સુરતના અજાણ્યા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

નશાના સોદાગરો ગુજરાતમાં મોટાપાયે નશીલા પ્રદાર્થ ઘુસાડી રહ્યા છે. દારૂ બાદ ગાંજા સહિતના નશીલા પ્રદાર્થની હેરફેર અને વેચાણ પણ વધી રહ્યું છે. સમાજ, યુવાઓ અને દેશ માટે ઘાતક નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા ભરૂચ SOG નો સ્ટાફ સતત પેટ્રોલિંગ અને વોચ રાખી રહ્યો છે.

SOG પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડા પાડ્યા હતા. દરોડામાં ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ 2 પેકેટોમાંથી 10 કિલો 106 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નશીલા પ્રદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપેટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:22 pm IST)