Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વલસાડના દાતી ગામમાં લોકોની મુશ્કેલીમાં વધારો : દરિયાની પ્રોટેકશન વોલ તુટી: પાણી ઘરોમાં ઘૂસ્યા

દરિયાનું પાણી ગામમાં આવતા લોકોના ઘરોને નુકસાન: કલેકટર તેમજ પોલીસ વડાને રજૂઆત

સરહદી જિલ્લા વલસાડમાં દાતી ગામની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દાતી ગામમાં દરિયાનું પાણી આવતા ત્યાં રહેતા લોકોના ઘરોને નુકસાન થતું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ પાણી ઘરો સુધી પહોંચવાનું કારણ રેતી માફિયાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને લોકો દ્વારા કલેકટર તેમજ પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ જિલ્લાનાં મહારાષ્ટ્રની સરહદ નજીક એક મનમોહક દરિયાકાંઠો આવેલો છે. આ સ્થળ ઉમરગામ મુખ્ય મથકથી 16 કિમીના અંતરે આવેલું છે. ત્યારે વલસાડના દાતી ગામમાં નાગરોલ દરિયાનું પાણી આવતા લોકોના ઘરો તેમજ ઘરવખરીને નુકસાન થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રેતી ખનને લઈને દરિયાની પ્રોટેકશન વોલ તુટી જતાં દરિયાનું પાણી ઘરોમાં ઘુસી આવે છે. જેથી કરીને દાતી ગામ સહિત 5થી 6 ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે.

અવારનવાર રેતી ખનનની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા સરકારી નિયમોને નેવે મૂકી રેતી ખનન કરતા હોય છે. જેથી રેતી ખનન સામે નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. રેતી મેળવવાની લાલચમાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનન કરીને દરિયા તેમજ નદીઓને નુકસાન કરતા હોય છે. છતાંય તંત્ર આંખે પાટા બાંધી બેસી રહ્યું હોય છે. આવા લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી કરીને દાતી ગામના લોકો દ્વારા કલેકટર તેમજ પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી છે. તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, રેતી ખનની પ્રવૃત્તિઓને રોક લગાવવામાં આવે તો 5 થી 6 ગામના લોકોને પડતી મુશ્કેલીઓમાંથી તેમજ લોકોના ઘરમાં ઘૂસતા પાણી અને થતા નુકસાનથી રાહત મળી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાને લઈને દાતી ગામના લોકો રસ્તા પર ઉતરી ગયા છે. તેમના દ્વારા રેતી ખનન કરતા માફિયાઓ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે. જેથી કરીને તેમના ઘર બચી શકે. તમામ લોકો રસ્તા પર ઉતરીને સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા રેતી ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહિ ? કે પછી રેતી ખનન કરતા માફિયાઓ બેફામ થઈને આમ જ રીતે ખનન કરતા રહેશે

(11:19 pm IST)