Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મોદીએ માતા હીરાબાના ૧૦૦માં જન્‍મદિવસ પર તેમના પગ ધોઇને આશીર્વાદ લીધા : ભેટ પણ આપી : ચરણોમાં બેઠા : ભાવુક દ્રશ્‍યો

અમદાવાદ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને તેમના માતા હીરાબા કે જેઓ ગાંધીનગરના રાયસણમાં રહે છે તેમણે આજે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતમાં આવેલા વડાપ્રધાન મોદીએ આજે સવારે પોતાના પ્રવાસની શરુઆત કરતા પહેલા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. તેઓ માતા માટે ભેટ પણ લઈને પહોંચ્‍યા હતા. માતાના ઘરે પહોંચેલા વડાપ્રધાનને જોવા માટે ત્‍યાં ઘણાં લોકો ઉમટી પડ્‍યા હતા જેમનું તેમણે અભિવાદન પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ માતાને ફૂલનો હાર પહેરાવીને, સાલ ઓઢાડીને અને તેમના પગ ધોઈને તે પાણી પોતાના માથે ચઢાવીને આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના હાલચાલ પણ પૂછ્‍યા હતા અને આશીર્વાદ લીધા બાદ તેમની સાથે થોડીવાર વાતચીત પણ કરી હતી. દીકરાની પ્રગતિ જોઈને માતા હીરાબા પણ ઘણાં ખુશ હતા અને તેમણે વડાપ્રધાનને જીવનમાં હજુ વધુ સફળ થવા માટેના આશીર્વાદ આપ્‍યા હતા.
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતાના હાથમાં એક બેગ લઈને હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્‍યા હતા, આ બેગમાં હીરાબા માટે ભેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોદી હીરાબાને મળ્‍યા ત્‍યારે જમીન પર બેસી ગયા અને માતાના પગ ધોયા હતા. તેમણે માતાના પગ ધોયા બાદ આ પાણીને પોતાના માથે ચઢાવ્‍યું હતું. પીએમ મોદીએ માતાને ફૂલોનો હાર તથા સાલ પણ ઓઢાડી હતી.
માતાને મળવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ હીરાબાના આશીર્વાદ લીધા બાદ ઘરમાં જ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. માતાને ખુરશીમાં બેસાડીને પોતે જમીન પર બેસી ગયા હતા અને પછી તાંબાની થાળીમાં માતાના પગ ધોયા હતા. માતાના લાંબી ઉંમરની કામના કર્યા બાદ તેમનું મોઢું પણ મીઠું કરાવ્‍યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના માતા સાથે વાતો પણ કરી હતી અને તેમના સ્‍વાસ્‍થ્‍ય અંગે પૂછ્‍યું હતું.
હીરાબા પણ દીકરાને મળીને ઘણાં રાજી હતા, તેમણે પણ વડાપ્રધાન મોદીના હાલચાલ પૂછ્‍યા હતા અને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ દીકરાને આપ્‍યા હતા. માતાના આશીર્વાદ લીધા પછી અહીંથી વડાપ્રધાન મોદી વડોદરા જવા માટે રવાના થયા છે.

 

(11:00 am IST)