Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ૧ વર્ષ પહેલા ભાજપના નેતાની શાળામાં બાળકીને છેડતી કરી તંત્રએ પગલા ન ભરતા દીકરીએ આત્‍મહત્‍યા કરી

પોલીસ પ્રશાસન અને ભાજપના નેતાની શાળાના ટ્રસ્‍ટીઓએ ૧ વર્ષ સુધી બાળકીનો અવાજ દબાવીને યુવતીને આત્‍મહત્‍યા કરવા મજબૂર કરીઃ આ આત્‍મહત્‍યા કેસમાં ભાજપના નેતા અને અન્‍ય ટ્રસ્‍ટીઓની પણ તપાસ થવી જોઈએ : ભાજપના નેતાની શાળા હોવાના કારણે આત્‍મહત્‍યાના ૧૦ દિવસ પછી પણ કોઈ ગુનેગાર સામે કોઈ કાર્યવાહી થઈ નથીઃ પીડિતાને વહેલી તકે ન્‍યાય મળે તે માટે ગુજરાત સરકાર આ મામલો ફાસ્‍ટટ્રેક કોર્ટમાં ચલાવે તેવી આમ આદમી પાર્ટીની માંગઃ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરીના પ્રહારો

રાજકોટ, તા.૧૮: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપના એક નેતાની શાળામાં બનેલી શરમજનક ઘટના અંગે વાત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર ભલે બેટી બચાવો બેટી પઢાવો જેવા નારા આપે છે પણ બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ભાજપના નેતાની સ્‍કૂલમાં એક દીકરી સાથે દુઃખદ અકસ્‍માત થાય છે. અને તે પછી તે દીકરીનો અવાજ સાંભળવાને બદલે બધાએ તેનો અવાજ દબાવી દીધો જેના કારણે આખરે દીકરીએ આત્‍મહત્‍યા કરી લીધી. આપઘાતના ૧૦ દિવસ બાદ પણ હજુ સુધી એકપણ ગુનેગારને જેલમાં પૂરવામાં આવ્‍યા નથી.

એક તરફ ગુજરાત સરકાર વારંવાર આવી વાતો કરે છે કે, ગુજરાતમાં તમામ દીકરીઓ સુરક્ષિત છે અને બીજી તરફ શાળામાં અભ્‍યાસ કરતી એક બાળકીને શાળાના શિક્ષક અને કેટલાક છોકરાઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ દર્દનાક ઘટના અંગે યુવતીએ પોલીસ થી માંડીને મામલતદાર સુધી બધુ જ જણાવ્‍યું હતું, પરંતુ કદાચ ભાજપના નેતાની શાળા હોવાના કારણે વહીવટી તંત્રએ બાળકીની આ બાબત પર ધ્‍યાન આપ્‍યું ન હતું અને અંતે યુવતીએ નિરાશામાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. ૨૮ જૂન ૨૦૨૧ ના રોજ, છોકરી ને શાળામાં તેના કપડાં ફાડીને છેડતી કરવામાં આવી અને સતત એક વર્ષ સુધી, છોકરી વારંવાર આ ઘટના વિશે પ્રશાસનને કહેતી રહી.

અમે જાણવા માંગીએ છીએ કે શું ભાજપના નેતાની શાળા ના કારણે પોલીસ પ્રશાસન આરોપીઓને રક્ષણ આપી રહ્યું હતું? શું ભાજપના નેતાની શાળા હોવાના કારણે મામલો દબાવવામાં આવ્‍યો? અમે ગુજરાતની બેશરમ ભાજપ સરકારને પણ સવાલ કરવા માંગીએ છીએ કે શું ગુજરાતની દીકરીઓને ન્‍યાય મેળવવા માટે આત્‍મહત્‍યા કરવાની જરૂર પડશે? ૧ વર્ષથી એક દીકરીએ પોતાના પર આચરવામાં આવેલા ગુનાની માહિતી પ્રશાસનને આપી છે તો શું વહીવટીતંત્ર બીજી કોઈ મોટી ઘટના બને અને તે પછી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યું હતું? શું ભાજપના નેતાઓની શાળાઓમાં આવી રીતે ક્રૂરતા કરવામાં આવે છે? શું આ રીતે ભાજપના નેતાઓ દ્વારા શાળાઓમાં થતા ગુનાઓ દબાવવામાં આવે છે? આ બધો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને આ આત્‍મહત્‍યા પાછળ અમે ગુજરાતની ભ્રષ્ટ વ્‍યવસ્‍થાને પણ જવાબદાર માનીયે છીએ.

ભાજપ સરકાર માત્ર જાહેરાતો પર ચાલતી સરકાર છે. મોટી-મોટી વાતો કરીને મોટા-મોટા પોસ્‍ટર બેનરો લગાવીને માત્ર તાળીઓ પાડવાનું જ ભાજપ સરકારનું કામ છે. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને એ વાતની જરા પણ પરવા નથી કે ગુજરાતની યુવતીઓ આવા ભયજનક વાતાવરણમાં જીવી રહી છે! સરકારને મોટી મોટી જાહેરાતો અને આરામથી સમય મળે તો ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર પણ થોડું ધ્‍યાન આપવું જોઈએ. તથા ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા ઇસુદાન ગઢવીએ માંગ કરી છે.

(4:40 pm IST)