Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કલોલ નર્સે સફાઈકર્મી સાથે મળી મહિલાની પ્રસુતિ કરાવતા નવજાત બાળકે જીવ ગુમાવતા પોલીસ ફરિયાદ

કલોલ :  કલોલમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારીને કારણે એક નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ પ્રસુતિ માટે આવેલ મહિલાના પરિવારજનોએ કર્યો છે. પ્રસુતિ સમયે ડોક્ટર હોસ્પિટલમાં હાજર હોવા છતાં નર્સ અને સફાઈકર્મીએ મહિલાને પ્રસુતિ કરાવી હતી જેમાં ચૂક થતા નવજાત બાળક મૃત્યુ પામ્યું હતું.

કલોલમાં સિવિલને સ્થાને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યા બાદ સ્થિતિ બદથી બદતર થઇ ગઈ છે. સિવિલનો દરજ્જો છીનવી લીધા બાદ અહીંનું તંત્ર સાવ ખાડે ગયું છે. ત્યારે શહેરના સનીભાઈ રમેશભાઈ દેવીપુજક પોતાની પત્નીને પ્રસુતિ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈને આવ્યા હતા. હોસ્પિટલમાં જવાબદાર ડોક્ટર હાજર હોવા છતાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઓપરેશન રૃમમાં લઇ જવામાં આવી હતી. જોકે પ્રસુતિ દરમિયાન ડોક્ટર હાજર હતા તેમ છતાં ઓપરેશન રૃમમાં આવ્યા ન હતાં. જેથી મહિલાને નર્સ અને સફાઈ કર્મચારીએ પ્રસુતિ કરાવતા બાળકનો માથાનો ભાગ ફસાઈ ગયો હતો. ડોક્ટરની બેદરકારીના કારણે આવડત વગરનો સ્ટાફ પ્રસુતિ કરાવાતાં નવજાત બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ મહિલાના પરિવારજનોએ  કર્યો છે.

પ્રસુતિ દરમિયાન ડોકટરનું હાજર રહેવું જરૃરી છે પરંતુ  જવાબદાર ડોક્ટર હોસ્પિટલમાં હાજર હોવા છતાં ઓપરેશન રૃમમાં મહિલાની પ્રસુતિ કરાવવા માટે આવ્યા ન હોવાના કારણે નર્સ અને સફાઈ કર્મચારીએ ડિલિવરી કરી હતી. અગાઉ કોલેરા વખતે પણ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં  ડોકટરે દર્દીઓને ધમકાવ્યા હોવાની પણ ફરિયાદ થઇ હતી. કલોલની સરકારી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાને લોકોની અસંખ્ય ફરિયાદ પણ આવેલ છે. 

(5:47 pm IST)