Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુરતના કતારગામ વિસ્તારમાં ચાર ધામની યાત્રાના પેકેજમાં તબીબો સાથે 5 લાખની છેતરપિંડી આચરનાર ટુર ઓપરેટરની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરના કતારગામ વિસ્તારના ડોક્ટર કપલ સહિત કુલ 12 ડોક્ટર કપલ અને પરિવારને ચારધામ યાત્રાના દિલ્હીથી પરત દિલ્હીના પેકેજમાં રહેવા, જમવા, ટ્રાવેલીંગ અને દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવાની બાહેંધરી આપી કોઈ સુવિધા નહીં આપી રૂ.5.15 લાખની ઠગાઈ કરનાર વરાછાના ટુર ઓપરેટરની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદના માંડલના સોલગામના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી સહયોગ ચોકડી ભૂમિપૂજા સોસાયટી ઘર નં.54 માં રહેતા 49 વર્ષીય ડો.પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ મકાનના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર શ્રીરાજ નામથી ક્લિનિક ધરાવે છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના ડોકટરના વ્હોટ્સએપ ગ્રુપના બધા સભ્યોએ ચારધામ યાત્રાએ જવા ટુરનું આયોજન કરી જુદાજુદા ટુર ઓપરેટરના એસ્ટીમેટ લઈ વરાછા માતાવાડી કુબેરનગર સોસાયટી દુકાન નં.4 માં ખોડીયાર ટ્રાવેલ્સના નામે ઓફિસ ધરાવતા મનીષભાઈ રમેશભાઈ ગોસ્વામીને મળી એક યાત્રી દીઠ રૂ.23 હજારનું પેકેજ નક્કી કર્યું હતું. મનીષભાઈએ પ્રકાશભાઈ, તેમના પત્ની ડો.વિશાખાબેન સહિત કુલ 12 ડોક્ટર કપલ અને પરિવારને દિલ્હીથી પરત દિલ્હીના પેકેજમાં રહેવા, જમવા, ટ્રાવેલીંગ અને દરેક જગ્યાએ પાણીની સુવિધા આપવા કન્ફર્મેશન લેટર આપ્યો હતો પણ કોઈ સુવિધા આપી નહોતી.

(5:50 pm IST)