Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સંસ્કારી નગરી વડોદરામાં 21 હજાર કરોડથી વધુના લોકાર્પણ અને ખાર્તુમુર્હુત થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ડોમમાં ખુલ્લી જીપમાં સૌ કોઇનું અભિવાદન ઝીલ્યુ

વડોદરા: વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા આવ્યા હતા. મોદી એરપોર્ટથી લેપ્રસી મેદાન જતા હતા ત્યારે ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.
વડોદરા શહેરમાં લાખો લોકો જેની રાહ જોઇને બેઠા હતા તેની આતુરતાનો અંત આવ્યો હતો. મોદીને જોવા માટે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અંદાજે 5 લાખ જેટલા લોકો એકઠા થયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. લેપ્રસી ગ્રાઉન્ડ મોદીનાં નારાથી ગૂંજી ઉઠ્યુ હતુ. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યાં મોદીને આવવાની ખુશીમાં ગરબે ઘૂમ્યા હતા. અતુલ પુરોહિતનાં શૂર સાથે ડોમમાં ઉપસ્થિત તમામ લોકો ઘૂમી ઉઠ્યા હતા.
ડોમમાં ખુલ્લી જીપમાં સૌ કોઇનું અભિવાદન ઝીલ્યુ
લેપ્રસી ગ્રાઉન્ડમાં આવતા જ વડાપ્રધાન મોદીએ ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસી 1.25 કિલોમીટરનો ફેરો કરી રોડ શો કર્યો હતો.અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ડોમમાં ખુલ્લી જીપમાં સૌ કોઇનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ તકે ભારત માતા કી જયનાં નારા ગૂંજી ઉઠ્યા હતા. ડોમમાં બનાવેલા સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
વડાપ્રધાનને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક નેતાઓએ વડાપ્રધાનને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યુ હતુ. વડોદરામાં મેયર કેયુર રોકડીયા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ધારાસભ્ય અને ભાજપનાં પદાધિકારીઓએ વડાપ્રધાનને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યુ હતુ. આ તકે વડાપ્રધાન મોદીને બાંધણીના કાપડની કેસરી અને લીલા રંગની પાઘડી પહેરાવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે આજે ગુજરાત ગૌરવ અભિયાનનાં બીજા તબક્કામાં પધારેલા વડાપ્રધાનનું હાર્દિક સ્વાગત કરુ છુ. વડાપ્રધાને કાલીકાના દર્શન કર્યા પછી વિવિધ કામોની ભેટ ગુજરાતને આપવાના છે. વડાપ્રધાન 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હુત કરવા માટે આવ્યા છે.
-મુખ્યમંત્રી માતૃશક્તિ યોજાનાનો પ્રારંભ કર્યો હતો.
-મુખ્યમંત્રી પોષણસુધા યોજાનાનો પ્રારંભ કર્યો હતો.
-ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુર્હુત
– આ તકે લાભાર્થીઓને વડાપ્રધાન મોદીએ કિટ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન શરૂ કરે તે પહેલા જ મોદી મોદીનાં નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદનની સંબોધન કરતાં જણાવ્યું હતુ કે આજનો દિવસ માતૃવંદના દિવસ છે.સવારે માતાનાં આર્શીવાદ લીધા બાદમાં જગતજનની માતા કાલીકાનાં દર્શન કર્યા અને અત્યારે વિરાટ માતૃશક્તિનાં દર્શન થયા.મને ખુશી છે કે સંસ્કારી નગરી વડોદરામાં આજે 21 હજાર કરોડથી વધુના લોકાર્પણ અને ખાર્તુમુર્હુત થયુ છે.

(5:59 pm IST)