Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે: વડોદરામાંથી સમગ્ર ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

સુશાસનના છેલ્લા આઠ વર્ષમાં નારીશક્તિના સામર્થ્યને ભારતના વિકાસની ધૂરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે: માતાઓ, બહેનો, દીકરીઓનું જીવન આસાન બને અને તેમને તમામ ક્ષેત્રમાં સમાન તક મળે એ બાબત અમારી સરકારની પ્રાથમિક્તા છે: સરકાર, સહકાર અને પરોપકારની વિશેષતા અને જનભાગીદારીથી ગુજરાતે વિકાસની નૂતન યોજનાઓ અમલમાં મૂકી છે: મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

વડોદરા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે, ૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે. મહિલાઓની આશા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમના માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી, નિર્ણયો કરી તેમના પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાના તમામ દરવાજા ખોલી દીધા અને હવે અનેક નવા ક્ષેત્રો નારીશક્તિના દરવાજે દસ્તકો આપી રહી છે. ડબલ એન્જીનની સરકારના સુશાસનના છેલ્લા આઠ વર્ષમાં નારીશક્તિના સામર્થ્યને ભારતના વિકાસની ધૂરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉક્ત સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, મહિલાલક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા મહિલાઓની સમસ્યાઓ ઓછી કરવામાં આવી છે. માતાઓ, બહેનો, દીકરીઓનું જીવન આસાન બને અને તેમને તમામ ક્ષેત્રમાં સમાન તક મળે એ બાબત અમારી સરકારની પ્રાથમિક્તા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરામાં યોજાયેલ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં  ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ - ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવા સાથે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લામાં વિવિધ વિભાગોના રેલવે સહિતના કુલ રૂ.૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજી લઈને આરોગ્ય સાચવનારી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ રાજ્ય સરકારની  મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અને રાજ્યના ૧૪ આદિજાતિ વિસ્તારોમાં પોષણ સુધા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે આ નવીત્તમ યોજનાના લાભાર્થીઓને પોષણ કિટનું વિતરણ કરવા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રીએ વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ કરવા સાથે વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના  કામોનો ઇ શિલાન્યાસ કર્યો હતો.
શ્રી મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા બાદ પાવાગઢમાં જગતજનની મા મહાકાળીના આશીર્વાદ લીધા અને હવે મને પ્રચંડ માતૃશક્તિના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મહાકાળી માતાજી પાસે મેં દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉપરાંત આ અમૃતકાળમાં ભારતની સ્વર્ણિમ વિકાસ થાય એવી પ્રાર્થના કરી છે.
તેમણે કહ્યું કે, ગુજરાતને આજે મળેલા રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પો ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે, એટલું જ નહી આવાસ, ઉચ્ચશિક્ષણ અને માર્ગજોડાણથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારનો વ્યાપ વધશે અને યુવાનો માટે અનેક પ્રકારની સ્વરોજગારી તથા રોજગારીના અવસરો પૂરા પાડનારા બની રહેશે.
શ્રી મોદીએ જણાવ્યું કે, ગુજરાતની મહિલાઓના સ્વસ્થ માતૃત્વ અને તંદુરસ્ત બાળપણ માટે ગુજરાત સરકારે રૂ. ૮૧૧ કરોડના ખર્ચે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને યોગ્ય પોષણ મળી રહે તે બાબત સુનિશ્ચિત કરી છે. પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારીને ગુજરાતના તમામ ૧૪ આદિવાસી જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગર્ભવતી મહિલાઓને બપોરનું ભોજન સરકાર તરફથી આપવામાં આવશે અને જે ભાવિ પેઢીને સશક્ત બનાવશે. આ માટે ગુજરાત સરકારને અભિનંદન આપવા ઘટે.
બે દાયક પહેલા ગુજરાતમાં જે કુપોષણની સમસ્યા હતી, તેને નાબૂદ કરવામાં સરકારની યોજનાઓ અસરકારક રહી હોવાનું સગૌરવ ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, માત્ર યોજનાઓનો અમલ જ નહીં પણ મહિલાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ગુજરાતે કુપોષણની સમસ્યાને કેન્દ્રમાં રાખીને દૂધસંજીવની યોજના, આયોડાઇઝ્ડ નમક, ટેક હોમ રાશન, પૂર્ણા યોજના, ફોર્ટીફાઇડ આટા થકી મહિલાઓ અને તેના બાળકોને સુપોષિત કરવામાં આવ્યા છે. તેના અસરકારક અમલ બદલ ગુજરાતને નાગરિક સેવાનો એવોર્ડ મળ્યો છે અને દેશને નવી રાહ આપી છે.
ઉક્ત યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતા શ્રી મોદીએ કહ્યું કે, ગુજરાતમાં આંગણવાડીના ૧૪ લાખ બાળકોને ફોર્ટીફાઇડ આટો, ૧૪થી ૧૮ વર્ષની બાર લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ આપી ઉત્તમ પોષણયુક્ત પૂરક પૂરો પાડવામાં આવ્યો છે. પોષણ સુધા યોજનાઓના પ્રાયોગિક અમલમાં મળેલા સકારાત્મક પરિણામોને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ૧૪ આદિવાસી જિલ્લાઓમાં તેનો અમલ કરવામાં આવ્યો છે, જેને લાભ રાજ્યની ૧.૩૬ લાખ મહિલાઓને મળશે. ઇ-મમતા પ્રોજેક્ટમાં ટેક્નોલોજીના વિનિયોગ કરી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનું એપ્લિકેશન મારફત સમયસર નિરીક્ષણ કરવામાં આવે છે. ગુજરાતમાં ૧૨ લાખ સહિત દેશમાં ૧૧.૫૦ કરોડ આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોને ઉપકરણો આપવામાં આવ્યા છે. આ બાબતે જાગૃતિ આવે એ માટે સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે મનાવવામાં આવે છે.
મહિલાઓને યોગ્ય વાતાવરણ પણ મળી રહે તેનો પણ સરકાર દ્વારા ખ્યાલ રાખવામાં આવે છે, તેમ કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, મહિલાઓને રાંધણ ગેસ આપીને ધૂમાડામાંથી મુક્તિ આપવામાં આવી છે. નળથી જળ આપીને મહિલાઓને માથેથી બેડાનો ભાર ઉતારવાનું કામ પણ અમે કર્યું છે. ઘરે ઘરે શૌચાલયો બનાવી મહિલાઓને સન્માન આપ્યું છે. પ્રધાનમંત્રી માતૃવંદના હેઠળ ગુજરાતમાં ૯ લાખ મહિલાઓને રૂ. ૪૦૦ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં વર્ષોથી આદિવાસી પરિવારો સીકલસેલ એનિમિયાથી પીડાતા હતા. ગુજરાતમાં અનેક સરકારોએ આવી પણ આ બિમારીની અવગણના કરવામાં આવી હતી. પણ, તેને દૂર કરવા અમે બીડું ઉપાડ્યું છે અને સિકલસેલ સોસાયટીની રચના કરી તેના માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
મહિલાઓના સશક્તિકરણ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં તેમના માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે. જેમાં આદિવાસી, ગરીબ, વંચિત મહિલાઓ જોડાઇ પગભર બની તેમને આર્થિક તાકાત મળતા અર્થવ્યવસ્થામાં પણ ભાગીદાર બની છે. મહિલાઓને વધુ આર્થિક સક્ષમ બનાવવા માટે સખી મંડળોને મળતી લોનની મર્યાદા રૂ. ૧૦ લાખથી વધારી રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ લોન મેળવનારોમાં ૭૦ ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
શ્રી મોદીએ માતૃશક્તિને ભાવપૂર્ણ રીતે કહ્યું કે, આજે ૧.૪૧ લાખ ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. પહેલા મહિલાઓના નામે કાણી પાઇની પણ સંપતિ નહોતી. પણ, તમારો એવો દીકરો બેઠો છે, જેણે આવાસો આપીને ગુજરાતમાં મહિલાઓના નામે એક વર્ષમાં રૂ. ૩૦૦૦ કરોડની સંપત્તિ કરી છે. ગુજરાતમાં ૧૦.૫૦ લાખ શહેરી ગરીબો અને ૭.૫૦ લાખ ગ્રામીણ ગરીબો તેમજ ૪.૫ લાખ મધ્યમ વર્ગના પરિવારોને આવાસો પૂરા પાડ્યા છે. શહેરોમાં સસ્તા દરે ઘરો ભાડે આપવાની યોજનામાં ગુજરાત સમગ્ર અગ્રેસર છે.
નાનો ધંધો કરતા વેપારીઓને વ્યાજના ચક્રમાં ના ફસાવું પડે એ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને બેંક લોન આપવામાં આવી રહી છે.
રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ્સ ગુજરાતની વિકાસની ગતિને બળ આપશે તેમ કહેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતાં ગુજરાતના બંદરો સાથે કનેક્ટિવિટી વધશે અને તેનાથી આર્થિક ગતિવિધિ વધવાની સાથે સ્થાનિક રોજગારીનું સર્જન થશે. કનેક્ટિવિટી વધતા આજે કચ્છની કેરી વિદેશમાં પહોંચી છે, તે સફળ ઉદાહરણ છે.
દેશની પહેલી રેલવે ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં હતી. હવે તે ભારતીય ગતિશક્તિ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. દેશભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને પીએમ ગતિશક્તિ યોજનાના વિવિધ પ્રોજેક્ટ અને સંશોધનો કાર્યો અહીં હાથ ધરાશે. વડોદરાને હવે એમ. એસ. યુનિવર્સિટી સાથે સ્પોર્ટ યુનિવર્સિટી તથા સેન્ટ્રલ યુનિવર્સિટી પણ મળી રહી છે. આદિવાસી વિસ્તાર એવા ગોધરાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદાને બિરસા મુંડા યુનિવર્સિટી આપીને આ વિસ્તારમાં શિક્ષણની નવી દિશા ખોલવામાં આવી છે.
સરકાર, સહકાર અને પરોપકારની વિશેષતા અને જનભાગીદારીથી ગુજરાતે વિકાસની નૂતન યોજનાઓ અમલમાં મૂકી છે. જે ભાવિ પેઢીને ઉત્તમ બનાવશે અને ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ હાંસલ કરશે. જનશક્તિના આશીર્વાદની અમે દેશને નવી ઉંચાઇઓ સુધી લઇ જવામાં કોઇ પાછી પાની નહીં કરીએ, તેમ પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. માતૃશક્તિ, મા ભારતીની સેવા કરવાનું સામર્થ્ય આપે એવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
વડોદરાના સાથે સંસ્મરણો વાગોળતા ભાવુક થયેલા શ્રી મોદીએ કહ્યું કે, વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે યોગ્ય શહેર છે. વડોદરા માની જેમ સંસ્કાર આપે છે, એટલે જ આ શહેર સંસ્કારી નગરી છે. આ શહેર સુખદુઃખમાં સાથ આપવા સાથે આગળ વધવાની તકો આપે છે. આ શહેરે મને સાચવ્યો છે. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામિ વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને આ શહેરે પ્રેરિત કર્યા છે. સ્વામિ વિવેકાનંદ સાથે સંકળાયેલું સ્મારક બિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. રાષ્ટ્રસેવાનું દાયિત્વ પણ મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથના આશીર્વાદથી મળ્યું છે.
બોન્ડ ઇસ્યુ કરવા બદલ તેમણે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપી વડોદરામાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસ કામોની ભૂમિકા પણ વડાપ્રધાનશ્રીએ આપી હતી.
નારીશક્તિનું ભવ્ય અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાનશ્રીએ સભા મંડપમાં પ્રવેશ કર્યો હતો, આ ક્ષણોને ઉપસ્થિતોએ ભારત માતાના જયઘોષથી વધાવી લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદીના અમૃત પર્વે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સુવર્ણકાળનું પ્રભાત આપણે સૌ જોઈ રહ્યા છીએ. ભારતની આગામી સુવર્ણ યાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ ગતિથી અદા કરવાની છે. વર્તમાન સમયે ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ તે વાતનું મોટું ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, અંત્યોદયથી સર્વોદયનું લક્ષ્ય સાધી સૌને વિકાસની મુખ્યધારા સામેલ કરવાનો વડાપ્રધાનશ્રીનો સતત પ્રયાસ રહ્યો છે, વડાપ્રધાનશ્રીએ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ કરીને છેલ્લા આઠ વર્ષથી દેશની જનતાને સુશાસનની અનુભૂતિ કરાવી છે. ગુજરાતને આ લાભ છેલ્લા ૨૦ વર્ષથી મળી રહ્યો છે અને વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘જે કહેવું તે કરવું’ની કાર્ય-સંસ્કૃતિના પ્રણેતા છે. તેમણે વિકાસના કામો કર્યા ન હોય તેવું એક પણ અઠવાડિયું હોતું નથી, તે વાતનો વધુ એક પુરાવો તેમણે ગુજરાતને રૂ.૨૧,૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને આપ્યો છે
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવતર વિકાસની જે પહેલ કરી હતી તેમજ સૌના સાથ, સૌના વિકાસની જે નીતિ-રીતિ અપનાવી હતી, તેનાથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ગુજરાતનું ગૌરવ વધારનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હવે મા ભારતીનું ગૌરવ વિશ્વસ્તરે વધારી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર નવા ભારતની શિલ્પકાર બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગૌરવ અભિયાનના બીજા તબક્કામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જનતાને સમર્પિત થનારા આવાસ, ઊર્જા, પાણી, રોડ-રસ્તા, રેલવે, શહેરી-સુવિધા અને શિક્ષણ ક્ષેત્રને લગતા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે દેશભરમાં અગ્રેસર રહી વિકાસના વિવિધ ક્ષેત્રોમાં જે ઉપલબ્ધીઓ મેળવી છે, જે સફળતાઓ પ્રાપ્ત કરી છે તેનો ચિતાર પણ પ્રસ્તુત કર્યો હતો
સતત વિકાસના કાર્યો, વિકાસની વાત, અને વિકાસની રાજનીતિ એ વડાપ્રધાનશ્રીના સ્વભાવમાં વણાયેલા છે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ કંડારેલા માર્ગ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધુ નવી ઊંચાઇએ લઈ જવાનું આહ્વાન તેમણે કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય મંત્રી સર્વ શ્રીમતી મનિષાબેન વકીલ, બ્રિજેશકુમાર મેરજા, જીતુભાઈ ચૌધરી, મુકેશભાઈપટેલ, વિનોદભાઈ મોરડિયા, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો સહિત વિશાળ સંખ્યામાં પ્રચંડ માનવ મહેરામણ સહિત નારી શક્તિ ઉપસ્થિત રહી હતી.

(6:19 pm IST)