Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જમીન પચાવવા મૃત્યુ પામેલા નોટરીને જીવિત કરી દીધો

જમીન પચાવવાના ભૂમાફિયાના નિત નવા નુસખા : ભૂમાફિયાઓએ મૃતક નોટરીના સીલનો ઉપયોગ કરીને જમીન બારોબાર વેચી દેવાનું કાવતરું ઘડીને પાર પાડ્યું

અમદાવાદ, તા.૧૮ : જમીન માફિયાઓ સામ ાન્ય રીતે મૃત વ્યક્તિઓની નકલી સહીઓ કરીને જમીન વેચી દેવી અને કબ્જો કરી લેવા જેવા ગુનાઓ આચરતા હોય છે. પરંતુ હવે એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં ગાંધીનગરના એક ગામમાં ૩૦ વીઘા જમીન પર કબજો કરવા માટે જમીન પચાવી પાડનારાઓએ ૧૦ વર્ષ પહેલા મૃત્યુ પામેલા નોટરીને જ પુનઃજીવિત કરી દીધા છે. ભૂમાફિયાઓએ મૃતક નોટરીના સીલનો ઉપયોગ કરીને જમીન બારોબાર વેચી દેવાનું કાવતરું ઘડીને પાર પાડ્યું. જ્યારે જમીન માલિકને કોર્ટમાંથી નોટીસ આવી ત્યારે જ ખબર પડી કે પોતાની જમીન તો વેચાઈ ગઈ છે. જે બાદ તેણે કલેક્ટર પાસે ફરિયાદ કરતા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

ગાંધીનગરની ડભોડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શાહપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય ભરતસિંહ સોલંકીની ૩૦ વીઘા પૈતૃક જમીન છે. તેઓ ખેડૂત તરીકે આજીવિકા મેળવી રહ્યા હતા પરંતુ સાથે સાથે તેઓ વધારાની આવક માટે પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યા હતા. તેવામાં નરોડામાં રહેતા તેમના બાળપણના મિત્ર સુમન પટેલે તેમને ગિફ્ટ સિટીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાવવાનું વચન આપ્યું હતું.

ઓક્ટોબર ૨૦૨૦ માં સુમન પટેલ પીડિત ભરતસિંહ સોલંકીને અમદાવાદના સરદારનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લઈ ગયા. જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ તેમનો ઈન્ટરવ્યુ લીધો. બાદમાં આ વ્યક્તિએ સોલંકીને કેટલાક દસ્તાવેજો પર સહી કરાવી હતી. તે વ્યક્તિની સૂચનાઓનું પાલન કરતાં સોલંકીએ તેને તેની બેંક પાસબુક, આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ આપ્યું હતું. બે દિવસ પછી સોલંકીને સુરક્ષા એજન્સી તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમને નોકરી પર રાખવામાં આવશે પરંતુ ભરતી પ્રક્રિયામાં

સમય લાગશે. દરમિયાન, પટેલે નવેમ્બર ૨૦૨૦ માં સોલંકીના ખાતામાં ૨ લાખ રૂપિયા જમા કરાવ્યા અને કહ્યું કે તે આ રુપિયા પછીથી ઉપાડી લેશે. થોડા દિવસો પછી સોલંકીએ તે રુપિયા પટેલને પરત આપી દીધા હતા.

જોકે ૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ, સોલંકીને ગાંધીનગર સિવિલ કોર્ટમાંથી નોટિસ મળી હતી જેમાં ૩૦ વીઘા જમીનના સોદામાં પ્રતિવાદી તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે સોલંકીએ ગાંધીનગર કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે આ જમીન ઊંઝાના એક પરેશ રબારીને વેચવામાં આવી હતી. જેમાં પટેલ સહિત અન્ય ચાર સાક્ષી હતા. જે બાદ ભરતસિંહ સોલંકીને જાણવા મળ્યું કે તેણે જે નોકરીના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા તે ખરેખર વેચાણ કરારના કાગળો હતા. જેના માટે ગાંધીનગરના બીબી ગાંધી નામના નોટરીના સીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સોલંકીને ખબર પડી કે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ ગાંધીનું અવસાન થયું હતું. સોલંકીએ ૫ મે, ૨૦૨૨ના રોજ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે જમીન રૂ. ૨ લાખમાં વેચાઈ હતી. જે રકમ પટેલે સોલંકીના ખાતામાં જમા કરાવી હતી અને બાદમાં પરત લઈ લીધી હતી.

 

(8:03 pm IST)