Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કાકાના કહેવાથી સગીરાએ પ્રેમી અને અન્ય બે સામે રેપની ફરિયાદ કરી

ભિલોડામાં સગીરા પર ગેંગરેપની ફરિયાદ થઈ હતી : સગીરાએ પોલીસ-કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે કે ગેંગરેપ થયો જ નથી, જેથી ખોટી ફરિયાદ થયાનું બહાર આવ્યું

મોડાસા, તા.૧૮ : ભિલોડાના જશવંતપુરાની સીમમાં ગયા શનિવારે એક સગીરા પર ગેંગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસની પાંચ ટીમો તપાસમાં જોતરાઈ હતી. ત્યારે આ ગેંગરેપની ફરિયાદમાં એક જોરદાર વળાંક આવ્યો છે. સગીરાએ પોલીસ અને કોર્ટ સમક્ષ ગેંગરેપ ન થયો હોવાનું નિવેદન આપતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સગીરાના કાકાના કહેવાથી પ્રેમી યુવક અને તેની સાથે રહેતા બે મિત્રો સામે ગેંગરેપની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવતા આ સમગ્ર કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. ભિલાડોના ત્રણ યુવકો વિરુદ્ધ અદાવતમાં આ ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગયા શનિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે સગીરા બપોરના સમયે ટ્યુશન ક્લાસીસમાંથી ઘરે આવી રહી હતી. એ સમયે જશવંતપુરા ગામની સીમમાં ગૌચર જગ્યાએ લઈ જઈ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ફરિયાદ બાદ ભિલોડા પોલીસે તપાસ હાથ ધરી હતી. સાથે જ પોલીસે સગીરાનું મેડિકલ કરાવીને પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ, જે શખસો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ થઈ હતી એ તમામને પોલીસે ઝડપી પાડ્યા હતા.

જો કે, સગીરાએ પોલીસની તપાસમાં એવો ધડાકો કર્યો કે ગેંગરેપ થયો જ નથી. આ મામલે તપાસ અધિકારીએ એવું જણાવ્યું કે, સગીરાએ પોલીસ તેમજ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે કે ગેંગરેપ થયો જ નથી. જેથી આ પગલે ખોટી ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સગીરાના સંબંધીએ ખોટી ગેંગરેપની ફરિયાદ નોંધાવડાવી હતી. જેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો એમાંથી એક યુવક સાથે સગીરના કુટુંબની એક દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી તેને ફસાવવા માટે આખું કાવતરુ ઘડી કાઢવામાં આવ્યું હતું.

આ પ્રેમ લગ્નમાં અન્ય યુવકોએ પણ મદદ કરી હોવાની આશંકા રાખીને તેમને ફસાવવા માટે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

 શરૂઆતથી જ સગીરા, ફરિયાદી અને પરિવારની વર્તણૂક શંકાસ્પદ રહી હતી. સગીરાનું મેડિકલ કરાવતા અને પોલીસ પૂછપરછમાં પણ સગીરાએ આવું કંઈ બન્યુ ન હોવાની વાત કબૂલી હતી. જે બાદ તમામ આક્ષેપો ખોટા સાબિત થયા હતા. આખી ફરિયાદ ખોટી સાબિત થતા ભિલોડા પોલીસ દ્વારા બી સમરી ભરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:07 pm IST)