Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પંચમહાલ અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિભગો માં ધોધમાર વરસાદ પડ્યો .

રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા.

રાજ્યમાં છેલ્લા દસ દિવસથી વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. જેમાં 8 દિવસ પહેલાં નર્મદા જિલ્લામાં ધોધમાર વરસદાને પગલે નદીઓમાં પુર આવ્યું હતું. દરમિયાન કણજી ગામ નજીક વરસાદ દરમ્યાન કોઝ વે પરથી 8 વર્ષની બાળકી તણાઈ હતી. એનડીઆરએફની ટિમે બાળકીને શોધવાની કાર્યવાહી કરી હતી પણ બાળકી મળી ન હતી.

આજે 8 દિવસ બાદ બાળકીનો મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા શોધવામાં આવ્યો છે.

બીજી બાજુ આજના વરસાદની વાત કરવામાં આવે તો સુરતમાં વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેમાં ઉધના, પાંડેસરા, ડીંડોલી, વેસુ, સચિન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી ઘટાટોપ વાદળો છવાયાં સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હળવા પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદનું આગમન થતાં બાળકોએ નાહવાની મજા લીધી હતી. સમગ્ર તાલુકામાં વાદળછાયું વાતાવરણ હતું. જેમાં સાવલીના ટુંડાવ લસુન્દ્રા લામડાપુરા પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં.

પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના પગથિયાં ઉપર વરસાદી પાણીના ધોધ વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પધાર્યા હતા. આ સમયે પણ ઝરમર વરસાદ પડતો હતો. આ વરસતા વરસાદમાં તેઓ રોપવે પોઇન્ટથી માતાજીના મંદિર સુધીના પગથિયા ચડીને ગયા હતા. વરસાદના પગલે પાવાગઢના ડુંગર પર આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

અમદાવાદ જિલ્લામાં ધંધુકા ખાતે બપોર બાદ ફરી મુશળધાર વરસાદ પડ્યો હતો. તાલુકાના રાયકા, ખડોળ, જાળીયા, પડાંણા, રોજકા ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડી જતાં રસ્તાઓ પર પાણી વહેતાં તઈ ગયાં હતાં. આ ઉપરાંત બોટાદ તાલુકાના બરવાળા ખાતે સાંજના સમયે વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાયા બાદ બરવાળા શહેર સહિત નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ, ભીમનાથ, ખમિદાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. બોટાદ તાલુકાના પાળીયાદ ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. પાળીયાદ ગામે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયાં હતાં જ્યારે વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત થઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાંસદા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે હનુમાન બારી, કેલીયા, ખડકાળા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારી વિજીનલાલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે, તેમજ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ રહેશે.
અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછિમારોને માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.

(9:57 pm IST)