Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સાબરમતી આશ્રમની માકફ મહાત્મા ગાંધીઍ ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરેલ : વિદ્યાપીઠ ૧૦૦ વર્ષ પછી પણ ગાંધી મુલ્યો સાથે આગળ વધી રહી છે : સ્વાભિમાન કાર્યક્રમમાં વિદ્યાર્થીને ૧૭ થી ૧૮ હજારનું વળતર મળે છે.

અમદાવાદ: અમદાવાદમાં સાબરમતી આશ્રમની જેમ મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરી હતી. આ ગુજરાત વિદ્યાપીઠ આજે 100 વર્ષ પછી પણ ગાંધી મુલ્યો અને વિચારો સાથે આગળ વધી રહી છે.

આજે આપણે જાણીશું વિદ્યાપીઠમાં ચાલતા સ્વાભિમાન કાર્યક્રમ વિશે. જે ગરીબ અને ફી ભરી શકવાની શક્તિ ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બન્યો છે.

ગાંધીમૂલ્યોને આગળ ધપાવતું વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠ આજે પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્વાભિમાન સાથે જીવવાનું અને અભ્યાસ કરવાનું એક કેન્દ્ર છે. કારણ કે, અહીં 2015 થી શરૂ થયેલો સ્વાભિમાન કાર્યક્રમ યુવાનોને ફી અને અન્ય ખર્ચાઓ માટે શિષ્યવૃત્તિ પુરી પાડે છે. આ શિષ્યવૃતિ એટલે સરકાર આપે તે નહીં. પરંતુ પોતાના પરિશ્રમથી મેળવેલ શિષ્યવૃત્તિ.

યુવા સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદ, સાદરા અને રાંધેજા આમ ત્રણેય પરિસરના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વમાનભેર કામ કરીને શિષ્યવૃત્તિ મેળવે છે. આ કાર્યક્રમમાં જોડાનારા વિદ્યાર્થીઓ પાસે શનિ-રવિ અને વેકેશન દરમ્યાન વિદ્યાપીઠ પરિસરની અંદર 8 કલાકની કામગીરી સોંપવામાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કામગીરી કરે છે. આ કામગીરી સામે વિદ્યાર્થીઓને એક કલાકના 50 રૂપિયા લેખે દિવસના 400 રૂપિયા જેટલું વળતર પણ ચૂકવવામાં આવે છે, જેમાંથી આગામી વર્ષની ફી તેઓ સરળતાથી ભરી શકે છે.

સ્વાભિમાનથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવે એ માટે આ કાર્યક્રમની ગુજરાત વિદ્યાપીઠે શરૂઆત કરી છે. એમાં વિદ્યાર્થી પોતે જાતમહેનત કરીને શિષ્યવૃત્તિ મેળવે છે અને તેમના આગળના વર્ષની ફી પણ એમાંથી ચૂકવે છે. જેને કારણે વિદ્યાર્થીઓના વાલીઓને પણ આર્થિક ભારણ નથી પડતું અને વિદ્યાર્થીઓ પણ આ મહેનતની કમાણીની કિંમત સારી રીતે સમજી શકે છે. અને વિદ્યાર્થીઓ કામ કરીને 17થી 18 હજારનું વળતર મેળવે છે.

સ્વાભિમાન કાર્યક્રમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પાસે વેકેશન દરમ્યાન કેમ્પસ સફાઈ, ખંભાતી કૂવાની સફાઈ, ધાબાની સફાઈ, અલગ અલગ છોડવાને પાણી પિવડાવવાની સાથે એની માવજત કરવાની કામગીરી સોંપવામાં આવે છે. આ સાથે જ કેમ્પસમાં ભેગા થતા કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી પણ સોંપવામાં આવે છે. આમ જેની પરિસ્થિતિ ખરેખર નબળી છે તેવા વિદ્યાર્થીઓ વેકેશનમાં કામગીરી કરીને 17થી 18 હજારનું વળતર મેળવીને પોતાના પરિવારને મદદરૂપ થવાની સાથે આગળના વર્ષની ફી પણ ભરે છે.

(11:51 pm IST)