Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગુજરાતની ૪૮ તાલુકાના મેઘરાજાની કૃપા : ધંધુકા ઉપર વિશેષ હેત વરસાવતા મેઘરાજા : સવા ઇંચ વરસાદ ધંધુકામાં પડ્યો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સોમવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં સવા ઈંચ, મહેમદાવાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કપડવંજ, ચોટીલા, સુરત શહેર, ધોળકા અને બોટાદના રાણપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ સોમવારના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં, મંગળવારે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અને બુધવારે સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં હળવો વરસાદ પડી શકે છે

(11:52 pm IST)