Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ

ક્લબના મેમ્બર ૭૦ મિનિટ જ રોકાઈ શકશે : સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ માટે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો

અમદાવાદ ,તા.૧૮ : શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ થશે. અમદાવાદના ક્લબ સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ માટે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હાલના તબક્કે માત્ર ક્લબના મેમ્બર હોય તેવી વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે અને ગેસ્ટને એન્ટ્રી મળશે નહીં. ઉપરાંત દરરોજે ક્લબને સેનિટાઈઝ પણ કરવામાં આવશે. ક્લબ સંચાલકોએ લીધેલા નિર્ણય અનુસાર હાલના તબક્કે ક્લબની અંદર માત્ર મેમ્બરને પ્રવેશ અપાશે અને ગેસ્ટ નહીં આવી શકશે. દરેક મેમ્બરનો એન્ટ્રી તથા એક્ઝિટ ટાઈમ નોંધવામાં આવશે અને હાલ પ્રવેશ બાદ દરેક મેમ્બર માત્ર ૭૦ મિનિટ ક્લબમાં રોકાઈ શકશે. ક્લબમાં મેમ્બર આવે તે પહેલા તેને ટનલમાં સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવશે. અત્યારે માત્ર ફૂડકોર્ટ શરૂ કરવામાં આવશે જ્યારે કોઈ પણ ક્લબની રેસ્ટોરાં શરૂ કરાશે નહીં.કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૬૫ વર્ષથી ઉપર અને ૧૦ વર્ષથી નીચેની વયના બાળકોને ક્લબમાં એન્ટ્રી નહીં મળે.

              આ ઉપરાંત ક્લબમાં જીમ, બેડમિંગ્ટન, વોકિંગ ટ્રેક, વોલિબોલ, ટેબલટેનિસ સહિતની એક્ટિવિટી શરૂ થશે પરંતુ સ્વિમિંગ પુલ હજી બંધ રહેશે. આગામી સમયગાળા દરમિયાન વધુ સુવિધાઓ શરૂ કરવા બાબતે નિર્ણય લેવાઈ શકે છે. આગામી ૨૪મી ઓગસ્ટથી ક્લબ શરૂ કરવામાં આવશે. પહેલા મહિનામાં ચાર રવિવાર ક્લબ બંધ રાખશે. ઓપન એર રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ શરૂ કરવામા આવશે. જેમાં ૫૦ ટકા બેસી શકે તેટલી સુવિધાઓ હશે. તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ હશે. ટ્રેક, વોલીબીલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન શરૂ કરવામાં આવશે. ટ્રેકમાં માત્ર વોકિંગની પરમિશન હશે. જિમ પણ ૨૫ ટકાની કેપેસિટી સાથે ચાલુ કરશે. જેમાં સવારે અને સાંજે બેચ ચાલશે. એક બેચ બાદ જિમ સેનેટાઇઝ કરીશું. જિમ ચાલુ હશે ત્યારે પણ સેનેટાઇઝ કરવામાં આવશેપહેલા ત્રણ-ચાર દિવસ ક્લબમાં લોકોની અવરજવર જોઈશું. વધારે લોકો આવશે તો એન્ટ્રી પણ મર્યાદિત કરી દેવામાં આવશે. ક્લબમાં પ્રવેશનારનું ફરજિયાત થર્મલગનથી ટેમ્પરેચર ચેક અને સેનેટાઇઝ કરવામાં આવશે. ક્લબ ચાલુ કરતા પહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવાશે.

(10:24 pm IST)