Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભાદરવી પૂનમ નજીક આવતા

અંબાજી મંદિરમાં ભકતોનો ધસારો : દાનની રકમ પણ બમણી થઇ

કોરોના મહામારી પહેલાની સરખામણીમાં અંબાજી મંદિરને મળી રહ્યું છે બમણું દાન ૫મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં ૬૦ હજાર શ્રધ્ધાળુઓએ અંબાજી માતાના દર્શન કર્યા હતા

અંબાજી તા. ૧૮ : કોરોના મહામારી પહેલાની સરખામણીમાં અંબાજી મંદિરમાં છેલ્લા બે મહિનામાં સાપ્તાહિક દાન બમણું થઈ ગયું છે. કોરોના પહેલા ૩૦ લાખ રૂપિયાના સાપ્તાહિક દાનની સરખામણીમાં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં તેનો આંકડો ૬૦ લાખે પહોંચી ગયો હતો, તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના (SAAMDT) અકાઉન્ટ અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

આ પાછળનું કારણ એ છે કે લાખો શ્રદ્ઘાળુઓએ પ્રખ્યાત મંદિરની પગપાળા યાત્રા કરી છે. દરેક વર્ષે આ અનુષ્ઠાન ભાદરવી પૂનમ દરમિયાન થાય છે જયારે અંબાજીમાં પખવાડિયા જેટલા લાંબા સમયના મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે સરકારે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે મેળાઓ યોજવા પર પ્રતિબંધ મૂકયો છે. ભાદરવી પૂનમનો તહેવારનો સમયગાળો ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવા લાગ્યા છે, જેના પરિણામરૂપે આ મહિનાના પહેલા અઠવાડિયામાં દાનમાં વધારો થયો છે, તેમ પ્રજાપતિએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરના પહેલા અડધા ગાળામાં મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ઘાળુઓની સંખ્યા સરેરાશ ૨૫ હજારથી ૩૦ હજાર હતી, જે વધીને ૪૦ હજારથી ૪૫ હજારે પહોંચી છે. '૫મી સપ્ટેમ્બરે, રવિવારનો દિવસ હતો અને માત્ર એક દિવસમાં ૬૦ હજાર શ્રદ્ઘાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી', તેમ તેમણે ઉમેર્યું હતું.૨૦૧૯મી, ભાદરવી પૂનમે ૨૩ લાખ શ્રદ્ઘાળુઓએ શકિત પીઠની મુલાકાત લીધી હતી અને આ સમયગાળામાં ૪.૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. કોવિડ-૧૯ સંબંધિત પ્રતિબંધોના કારણે યોગદાન ગયા વર્ષે ઘટી ગયું હતું.કોવિડ-૧૯ કટોકટી દરમિયાન દાન સાવ ઓછું થઈ ગયું હતું અને વેરાવળમાં આવેલા સોમનાથ મંદિર, દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર, બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિર અને ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિર સહિતના ચાર પ્રખ્યાત મંદિરોમાં દાન ફરીથી કોરોના પહેલાના સ્તરે પહોંચી ગયું છે. અંબાજી મંદિરમાં છેલ્લા ત્રણ મહિનામાં ભકતોની મુલાકાતમાં ભારે વધારે જોવા મળ્યો છે અને તેના કારણે દાન પણ વધ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ દાન ૪૦ લાખ રૂપિયા પ્રતિ સપ્તાહે પહોંચી ગયું છે, જે કોરોના પહેલાના સમયમાં ૩૦ લાખ હતું.

(11:56 am IST)