Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ અવિરત વિકાસ કરતુ રહેશે: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી: શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવા શિખરો હાંસિલ કરશે :- શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડીંડોર

ગાંધીનગર : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલની મુલાકાત વેળાએ જણાવ્યુ હતું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે વધુન વધુ અવિરત વિકાસ કરતુ રહેશે. તેમણે સેન્ટરની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવી હતી અને સમગ્ર ભવનનું આધુનિક તકનીકીકરણ નિહાળ્યું હતું.

  શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોરને છેલ્લા ૩ વર્ષમાં થયેલ શિક્ષણ વિભાગના નૂતન પ્રકલ્પો અંગે વિસ્તૃત સમજ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. તદુપરાંત આ પ્રકલ્પોથી મળેલ સિદ્ધિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
  શિક્ષણ મંત્રી વાઘાણીએ ગુણોત્સવ, પ્રવેશોત્સવ, સ્કુલ એક્રેડીટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કુલ રેડીનેસ, નિદાન કસોટી, શિક્ષક સજજતા સર્વેક્ષણ વગેરે વિષયે ઊંડાણપૂર્વક વિગતો મેળવી હતી અને આ વિષયો પર શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. રાજ્યના CRC, BRC અને શાળાઓના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો સાથે કેવી રીતે વિડીયો કોલ થાય છે ? અને કેવી રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તેઓને ડેટા મોકલવામાં આવે છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
  વાઘાણીએ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા વિમર્શ કર્યો હતો.
આ તકે ઉપસ્થિત ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી  કુબેરભાઈ ડીંડોરે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવા શિખરો હાંસિલ  કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના નાયબ સચિવ, ઉપસચિવ, નિયામકઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:06 pm IST)