Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

યુવતીની જાહેરમાં છેડતી કરી એસિડ ફેંકવાની ધમકી

અમદાવાદના કાલુપુર વિસ્તારની ઘટના : હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે તમેં મારું કઇ નહીં બગાડી શકો : યુવક દ્વારા ધમકી

અમદાવાદ,તા.૧૮ : કાલુપુરમાં ગાંધી રોડ પર નોકરી કરતી યુવતીની જાહેરમાં છેડતી કરી એસિડ ફેંકવાની યુવકે ધમકી આપી હતી. યુવતીની માતાએ યુવકને ઠપકો આપતા મારામારી કરી અને હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મેં મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું. મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસે ફરિયાદ નોંધતા યુવકની હવા ટાઇટ થઈ ગઈ છે અને તેના કથિત સેટિંગ વિખેરાઈ ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કાલુપુરમાં એક યુવતી તેના પરિવાર સાથે રહે અને ગાંધી રોડ પર આવેલી એક દુકાનમાં નોકરી કરે છે. રાતે યુવતી નોકરી પરથી ઘરે પરત જતી હોય ત્યારે એક યુવક ૧૫ દિવસથી તેનો પીછો કરતો હતો. શનિવારે જ્યારે યુવતી ઘરે પરત જતી હતી ત્યારે તેને રોકી મોઢા પર સિગારેટનો ધુમાડો ફેંક્યો હતો. આ બાબતે જો કોઈને જાણ કરશે તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી.

                જેથી યુવતી ગભરાઈ ઘરે જતી રહી હતી અને માતા-પિતાને વાત કરી હતી. ટંકશાળ રોડ પર યુવક ઉભો હતો જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા હતા. યુવતીની માતાએ યુવકને કહ્યું હતું કે કેમ મારી છોકરીનો પીછો કરે છે. ત્યારે યુવકે ગાળાગાળી કરી તેની માતાને માર મારવા લાગ્યો હતો. બાદમાં ભાગવા જતા તેને પકડી લીધો હતો. હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મેં મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું. મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી યુવકને પકડી પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા તેનું નામ આરીફ મન્સૂરી કહ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(7:23 pm IST)