Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પંચાયતમાં ૧૩૦૦૦ કર્મચારીઓની ભરતી માટે તુર્તમાં અરજીઓ મંગાવાશે

તલાટી મંત્રી, કારકૂન, લેબ ટેકનિશ્‍યન, વિસ્‍તરણ અધિકારી, આરોગ્‍ય કાર્યકર વગેરે બનવાની તક

રાજકોટ તા. ૧૮ : રાજ્‍યના પંચાયત વિભાગમાં ૧૫થી વધુ સંવર્ગની ૧૩ હજાર જેટલી ભરતીઓ માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર ટુંક સમયમાં જ ઓનલાઇન અરજીઓ મંગાવનાર હોવાનું જાણવા મળે છે. ગુજરાતના ઇતિહાસમાં પંચાયત ક્ષેત્રે સૌથી મોટી ભરતી આવી રહી છે.
તાલુકા - જિલ્લા પંચાયત ક્ષેત્રે વર્ગ-૩ની તલાટી-મંત્રી, જુનિયર કલાર્ક, વિસ્‍તરણ અધિકારી, મલ્‍ટીપર્પઝ હેલ્‍થ વર્કર, લેબ ટેકનિશ્‍યન, અધિક મદદનિશ ઇજનેર, વિસ્‍તરણ અધિકારી, કમ્‍પાઉન્‍ડર, વિભાગીય હિસાબનીસ વગેરે કક્ષાની ૧૬૬૦૦ જેટલી જગ્‍યાઓ ખાલી છે. તે પૈકી ૧૩ હજાર જેટલી જગ્‍યાઓ ભરવા માટેની ફાઇલ નાણા વિભાગમાં પહોંચી ગઇ છે. સરકારે ૧૦૦ દિવસના એકશન પ્‍લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે. વહીવટી જગ્‍યાઓ માટે ધો. ૧૨ પાસ યુવક-યુવતીઓ અરજીપાત્ર રહેશે. ડીસેમ્‍બરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. નવેમ્‍બરમાં તેની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે સરકાર જાહેરાત આપી ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા માંગતી હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.  દરમિયાન આ અંગે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો સંપર્ક સાધતા તેમણે ૧૩ હજાર જેટલી ભરતી પૂર્વ નાણા વિભાગમાં મંજુરી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી ટુંક સમયમાં જાહેરાત પ્રસિધ્‍ધ કરવાનો નિર્દેષ કર્યો હતો.

 

(11:28 am IST)