Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શાળાઓમાં ધો.૯ થી ૧૨ની પ્રથમ કસોટીનો પ્રારંભ

દોઢ વર્ષ બાદ ૨૫ લાખથી વધુ છાત્રો ઓફલાઈન પરીક્ષા આપશે : ૨૭મી ઓકટોબર સુધી પરીક્ષા લેવાશે : રાજકોટ જીલ્લામાં ૭૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ

રાજકોટ, તા. ૧૮ : ગુજરાતમાં આજથી ધો. ૯ થી ૧૨ની પ્રથમ કસોટીનો પ્રારંભ થયો છે. દોઢ વર્ષ બાદ ૨૫ લાખથી વધુ છાત્રો શાળાઓમાં ઓફલાઈન કસોટી આપશે. રાજકોટ શહેર જીલ્લામાં ૭૦ હજારથી વધુ છાત્રો પ્રથમ કસોટી આપશે. જયારે રાજયમાં ૨૫ લાખથી વધુ છાત્રો પ્રથમ કસોટી આપી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમીક કેલેન્ડર મુજબ આજે સોમવારથી  ધો.૯ થી ૧૨ની શાળામાં પ્રથમ કસોટીનો પ્રારંભ થયો. શિક્ષણ બોર્ડ સાથે આ જ સમયગાળા દરમિયાન પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આમ, ૧૮ ઓકટોબરથી શરૂ થનારી પ્રથમ કસોટી ૨૭ ઓકટોબરના રોજ પૂર્ણ થશે. પ્રથમ કસોટી માટે જે વાલીઓએ સંમતિ આપી ન હોય તે વિદ્યાર્થીઓને સ્કુલે બોલાવવામાં આવશે. જયારે સંમતિ આપી ન હોય તે વિદ્યાર્થીઓની પરીક્ષા ઘરેથી જ લેવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં એકેડેમીક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતું. જે મુજબ ધો. ૯ થી ૧૨ની પ્રથમ કસોટી ૧૮ ઓકટોબરથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ શાળાઓએ બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવનારા પ્રશ્નપત્રોના આધારે જ પરીક્ષા લેવાની રહેશે તેમ જણાવાયુ હતું. જો કે ખાનગી શાળાઓ દ્વારા અભ્યાસક્રમને લઈને રજૂઆત કરી તમામ શાળાઓએ એક સરખો અભ્યાસક્રમ ચલાવ્યો ન હોય ખાનગી શાળાઓને પોતાની રીતે પેપર કાઢવાની છૂટ આપવા માટે જણાવ્યુ હતું. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા જે શાળાઓ પોતાની રીતે પેપર કાઢી પરીક્ષા લેવા માંગતી હોય તેમને છૂટ આપી હતી. જયારે જે શાળાઓ બોર્ડના પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા લેવા માંગતી હોય તેમને પણ તે અંગેની છૂટ અપાઈ હતી.

(12:07 pm IST)