Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગાંધીનગરના સે-6માં બંધ મકાનને ટાર્ગેટ કરી ગઠિયાએ સોનાના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગરગાંધીનગરમાં તસ્કરોએ હવે બંધ મકાનને ટારગેટ કરવાનું શરુ કર્યું છે. સેક્ટર ૬ બીમાં આવેલા એક બંધ મકાનમાંથી તસ્કરોએ રુપિયા પાંચ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કર્યાનો બનાવ સેક્ટર ૭ પોલીસ મથકે નોંધાવી છે. નિવૃત સેક્શન અધિકારી તેમના પરિવાર સાથે પાલડી ખાતે આવેલા તેમના અન્ય મકાનમાં  રહેવા માટે ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.

ગાંધીનગર સેક્ટર ૬ બી પ્લોટ નંબર ૬૫૩-૧ ખાતે રહેતા મહેશકુમાર  રાજપુરા (ઉ.વ.૬૪)  વર્ષ ૨૦૧૬માં નવા સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાંથી નિવૃત થયા હતા. બાદમાં  તે સેક્ટર ૬ ખાતે રહેતા હતા. સાથ ેસાથે તેમનું અન્ય મકાન અમદાવાદ  પાલડી ખાતે હોવાને કારણે તે ઘણીવાર ત્યાં રહેવા માટે પણ જતા હોય છે. ગત ૯મી ઓક્ટોબરના રોજ તે થલતેજ ખાતે તેમના સાળાને ત્યાં સામાજીક પ્રસંગ હોવાથી ગયા હતા. બાદમાં પાલડી ખાતે મકાનમાં રહેવા માટે ગયા હતા. આ દરમિયાન તેમના ગાંધીનગર ખાતેના મકાનમાં પાણી છાંટવા માટે ગણેશભાઇ નામના વ્યક્તિ નિયમિત રીતે આવતા હતા.  ત્યારે શનિવારે સવારે ગણેશભાઇ પ્લાન્ટ્સને પાણી આપવા માટે આવ્યા ત્યારે જોયુ ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેથી તેમણે મહેશકુમારને કોલ કરીને જાણ કરી હતી કે દરવાજો ખુલ્લો છે.  જેથી મહેશકુમાર , તેમના પત્ની પુત્ર સાથે ગાંધીનગર આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા બેડરુમના કબાટમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતી.  આ અંગે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર આવીને તપાસ શરુ કરી હતી. સાથે સાથે ડોગ સ્કોવ્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ માની રહી છે કે બંધ મકાન હોવાથી તસ્કરોએ રેકી કર્યા બાદ ઘરને ટારગેટ કર્યું છે. ત્યારે બંધ મકાનમાં દાગીના કે રોકડ ન રાખવા અને જો ઘર બંધ હોય તો પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા માટે જણાવાયું છે.

(5:08 pm IST)